ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મનીષ સિસોદિયાને જામીન મળતા દિલ્હીના મંત્રી આતિશી થઈ ગયા ભાવુક, જૂઓ વીડિયો

  • 17 મહિનાથી જેલમાં બંધ રહેલા મનીષ સિસોદિયાને આખરે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા

નવી દિલ્હી, 9 ઓગસ્ટ: દિલ્હી લીકર પોલિસી કેસમાં 17 મહિનાથી જેલમાં બંધ રહેલા મનીષ સિસોદિયાને આખરે સુપ્રીમ કોર્ટમાંથી આજે શુક્રવારે જામીન મળી ગયા છે. ત્યારબાદ દિલ્હીના શિક્ષણ મંત્રી અને AAP નેતા આતિશીને આ અંગે તેમની પ્રતિક્રિયા પૂછવામાં આવી ત્યારે તેઓ ભાવુક થઈ ગયા અને રડી પડ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, આજે સત્યની જીત થઈ છે. દિલ્હીના વિદ્યાર્થીઓનો વિજય થયો છે. તેમને જેલમાં એટલા માટે મોકલવામાં આવ્યા હતા કારણ કે તેમણે ગરીબ બાળકોને સારું શિક્ષણ આપ્યું હતું. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેમને સજા વિના આટલા લાંબા સમય સુધી જેલમાં રાખવા એ ન્યાયની મજાક ઉડાવવા જેવું થશે.

 

AAPના મંત્રી આતિશીએ ભાવુક થઈને શું કહ્યું?

આતિશીએ એમ પણ કહ્યું કે, આ સત્યની જીત છે કારણ કે મનીષ સિસોદિયાને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હતા. તેમણે દિલ્હીના બાળકોને સુંદર ભવિષ્ય આપ્યું છે. આજે અમે ખુશ છીએ કે મનીષ સિસોદિયાને જામીન મળી ગયા છે. ટૂંક સમયમાં એવો સમય પણ આવશે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ બહાર આવશે.”

મનીષ સિસોદિયાને જામીન પર અન્ય નેતાઓએ શું કહ્યું?

દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, આજનો દિવસ સમગ્ર દિલ્હી અને દેશના લોકો માટે ખુશીનો દિવસ છે. મનીષ સિસોદિયાએ સમગ્ર દેશમાં શિક્ષણ ક્રાંતિનો રોલ મોડલ સ્થાપિત કર્યો, પરંતુ સરકારે તેમને 17 મહિના સુધી કોઈ પુરાવા વિના જેલમાં રાખ્યા. આજે સત્યની જીત થઈ છે.”

રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલે કહ્યું કે, “મને ખૂબ જ ખુશી છે કે મનીષ સિસોદિયાને જામીન મળ્યા છે, મને આશા છે કે તેઓ દિલ્હી સરકારનું નેતૃત્વ કરશે અને સારી રીતે કામ કરશે.”

દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, “જામીનનો અર્થ એ નથી કે આરોપી દોષિત નથી. મનીષ સિસોદિયાને જામીન પર છોડવામાં આવ્યા છે પરંતુ તપાસ હજુ ચાલુ છે. ભાજપ હંમેશા કોર્ટના નિર્ણયનું સન્માન કરે છે, જેઓ આજે સત્યમેવ જયતે લખી રહ્યા છે, તેમના ગળા ગયા અઠવાડિયે સુકાઈ ગયા હતા. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન પર સુપ્રીમ કોર્ટના નિર્ણય સમયે તેમણે જે પ્રકારનો ગુસ્સો દર્શાવ્યો હતો તે દર્શાવે છે કે, તેમને કોર્ટ માટે કેટલું સન્માન છે. હજુ તપાસ ચાલુ છે. લીકર પોલિસી કૌભાંડમાં દરેકને દોષિત ઠેરવવામાં આવશે.”

આ પણ જૂઓ: મનીષ સિસોદિયાને મળ્યા જામીન, 17 મહિના પછી આવશે જેલમાંથી બહાર

Back to top button