શ્રદ્ધા હત્યાકાંડઃ મની ટ્રાન્સફર, ખોટી તારીખ અને ઈન્સ્ટાગ્રામ ચેટિંગ…
શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબે શરૂઆતથી જ દિલ્હી અને મુંબઈ પોલીસને ચકમો આપવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું કે 22 મે પછી તેની શ્રદ્ધા સાથે કોઈ વાત થઈ નથી. જ્યારે 26 મેના રોજ શ્રદ્ધાના નેટ બેંકિંગ એકાઉન્ટ એપ પરથી આફતાબના ખાતામાં 54 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ચાલો જાણીએ કે આફતાબ તેના ખોટા નિવેદનોને કારણે કેવી રીતે ફસાઈ ગયો.
શ્રદ્ધા વોકર મર્ડર કેસ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં મૃતદેહના 13 ટુકડાઓ કબજે કર્યા છે. એવું માનવામાં આવે છે કે આ મહિલાના મૃત શરીરના ટુકડા છે. આ ટુકડાઓ ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવશે. બાકીના ટુકડા અને હથિયારોની શોધમાં દિલ્હી પોલીસ ફરી આરોપી આફતાબ સાથે મહેરૌલીના જંગલોમાં જશે. તે જ સમયે, આ મામલે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. દરમિયાન પોલીસે જણાવ્યું કે આફતાબે શરૂઆતથી જ મુંબઈ અને દિલ્હી પોલીસ બંનેને ચકમો આપવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે, આફતાબે કહ્યું હતું કે શ્રદ્ધા 22 મેના રોજ ઝઘડો કરીને ઘરેથી નીકળી ગઈ હતી. ઘરેથી નીકળતી વખતે તેણીએ માત્ર તેનો ફોન પોતાની સાથે લીધો હતો. જ્યારે બાકીનો સામાન છોડી દેવામાં આવ્યો હતો અને ત્યારથી તે તેના સંપર્કમાં આવ્યો ન હતો.પરંતુ જ્યારે પોલીસે આફતાબ અને શ્રદ્ધાના કોલ રેકોર્ડ અને તેમના લોકેશનની તપાસ કરી તો અનેક સત્યો સામે આવ્યા.
26 મેના રોજ નેટ બેંકિંગ દ્વારા 54 હજાર ટ્રાન્સફર
પોલીસના ધ્યાને સૌથી મોટી વાત એ આવી છે કે 26 મેના રોજ શ્રદ્ધાના નેટ બેંકિંગ એકાઉન્ટ એપ પરથી આફતાબના ખાતામાં 54 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જ્યારે, આફતાબે પહેલા કહ્યું હતું કે 22 મે પછી તે શ્રદ્ધાના સંપર્કમાં આવ્યો નથી.
ઈન્સ્ટાગ્રામ ચેટિંગનું લોકેશન મહેરૌલી વિસ્તારમાંથી આવ્યું
એટલું જ નહીં 31 મેના રોજ શ્રદ્ધાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની મિત્ર સાથે ચેટ થઈ હતી. જ્યારે પોલીસે શ્રદ્ધાના ફોનનું લોકેશન કાઢ્યું તો તે દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારનું હોવાનું બહાર આવ્યું. 26 મેના રોજ થયેલા બેંક ટ્રાન્સફરનું સ્થળ પણ મેહરૌલી પોલીસ સ્ટેશન વિસ્તાર હોવાનું બહાર આવ્યું છે.
આફતાબ પોલીસને જવાબ આપી શક્યો ન હતો
જ્યારે પોલીસ દ્વારા આફતાબને પૂછપરછ કરવામાં આવી હતી કે જ્યારે શ્રદ્ધા તેનો ફોન લઈને ઘરેથી નીકળી ગઈ હતી તો તેનું લોકેશન તેના ઘરની નજીક જ કેમ બહાર આવી રહ્યું હતું? આફતાબ આનો જવાબ ન આપી શક્યો અને તે પછી તેણે પોલીસની સામે સાચું કહ્યું.
પોલીસ ડેટિંગ એપ Bumbleનો પણ સંપર્ક કરી શકે
તો બીજી તરફ, એવું કહેવામાં આવી રહ્યું છે કે પુરાવા એકત્રિત કરવા માટે દિલ્હી પોલીસ ડેટિંગ એપ Bumbleનો પણ સંપર્ક કરી શકે છે. Bumble દ્વારા જ શ્રદ્ધા આફતાબને મળી હતી. આ પછી બંને લિવ ઇન રિલેશનમાં રહેવા લાગ્યા. આ સિવાય દિલ્હી પોલીસ શ્રદ્ધા વોકરના મિત્ર લક્ષ્મણને પૂછપરછ માટે બોલાવશે. લક્ષ્મણે જ શ્રદ્ધા વોકરના પિતાનો સંપર્ક કર્યો હતો અને તેમને શ્રદ્ધાના સંપર્કમાં ન હોવાની માહિતી આપી હતી. આ પછી જ સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
આફતાબ અને શ્રદ્ધા મે મહિનામાં દિલ્હીના મેહરૌલીમાં એક ફ્લેટમાં શિફ્ટ થયા હતા. આ પછી 18 મેના રોજ બંને વચ્ચે ઝઘડો થયો હતો. આફતાબે શ્રદ્ધાનું ગળુ દબાવીને હત્યા કરી હતી. એ પછી, શ્રદ્ધાની લાશના 35 ટુકડા કરવામાં આવ્યા હતા. આફતાબે મૃતદેહના ટુકડાને 300 લિટરના ફ્રીજમાં રાખ્યા હતા. તે ફ્રીજમાંથી મૃતદેહનો ટુકડા કાઢીને મોડી રાત્રે જંગલમાં ફેંકવા જતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાના મૃત્યુ પછી, જ્યારે અન્ય મહિલા આફતાબના ફ્લેટમાં આવતી હતી, ત્યારે તે ફ્રિજમાંથી મૃતદેહના ટુકડાઓ કાઢીને કબાટમાં છુપાવી દેતો હતો, જેથી જો કોઈ વ્યક્તિ ફ્રીજ ખોલે તો કોઈને શંકા જાય નહીં.