દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં આરોપી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ સોમવારે 30 ઓક્ટોબરે પોતાનો ચુકાદો આપશે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચ આ ચુકાદો આપશે. અગાઉ સુનાવણી પૂર્ણ થયા બાદ ખંડપીઠે 17 ઓક્ટોબરે મનીષ સિસોદિયાના જામીન પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
તપાસ એજન્સી પાસે કોઈ પુરતા પુરાવા નથી
ઉલ્લેખનીય છે કે મનિષ સિસોદિયાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યું હતું કે તપાસ એજન્સી પાસે આ સમગ્ર પ્રકરણમાં સિસોદિયા સાથે સીધા સંબંધિત કોઈ પુરાવા નથી. સિંઘવીએ કોર્ટને કહ્યું હતું કે તમામ પુરાવા દસ્તાવેજી પ્રકૃતિના છે. સિસોદિયાને જેલના સળિયા પાછળ રાખવાની જરૂર નથી. તેઓ રાજકીય અને જાહેર જીવન સાથે સંકળાયેલા હોવાથી તેમના ભાગી જવાનો કોઈ ખતરો નથી. સિસોદિયાનો બચાવ કરતાં સિંઘવીએ કહ્યું હતું કે EDનો આરોપ છે કે નવી દારૂની નીતિ પોતે જ છેતરવા માટે બનાવવામાં આવી હતી.
સિસોદિયા કેસ ઉપર અસર પાડી શકે છે
જ્યારે નવી નીતિ સમિતિઓ દ્વારા વિચાર-વિમર્શ કર્યા પછી પારદર્શક રીતે બનાવવામાં આવી હતી. તત્કાલિન લેફ્ટનન્ટ ગવર્નરે પોતે આને મંજૂરી આપી હતી. જો કે, તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મનીષ સિસોદિયાના જામીનનો વિરોધ કરતા કહ્યું હતું કે સિસોદિયા પ્રભાવશાળી વ્યક્તિ છે અને જો તેમને જામીન આપવામાં આવે તો તેની અસર કેસ પર પડી શકે છે.