સુરતમાં દિલ્હી જેવી ઘટના, યુવકને 12 કિલોમીટર સુધી ઢસડ્યો, પોલીસને મળી મોટી સફળતા


દિલ્હીની ચકચારી અકસ્માતની ઘટના જેવી ઘટના સુરત નજીક પલસાણાના તાંતિથૈયા ગામે બુધવારે એટલે કે 18 જાન્યુઆરીના રોજ થઈ હતી. જેમાં એક બાઈક પર જઈ રહેલા દંપતીને લક્ઝુરિયસ કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકે બાઈકસવાર યુવકને 12 કિલોમીટર સુધી ઢસડ્યો હતો. આ અકસ્માતમાં મહિલા બેભાન થઈ ગઈ હતી અને તે ભાનમાં આવતા પોતાના પતિની શોધખોળ કરી રહી હતી. ત્યારે બીજા દિવસે પતિની લાશ 12 કિ.મી. દૂરથી ક્ષતવિક્ષત હાલતમાં મળી આવી હતી. આ ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા હતા.
પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા
આ ઘટના અંગે મહિલા દ્વારા કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેથી પોલીસે આ યુવકની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને ઘટનાના બીજા દિવસે આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી. આ તપાસમાં અનેક ચોંકાવનારા ખૂલાસા થયા છે. જેમાં લકઝુરિયર્સ કાર ચાલક આ યુવકને ટક્કર માર્યા બાદ 12 કિમી ઢસડીને લઈ ગયો હતો. આ બનાવનો વીડિયો પણ સામે આવ્યો છે. જેના આધારે પોલીસે આ કારની ઓળખ પણ કરી લીધી છે. અને આરોપી પણ પોલીસ પકડથી હાથ વેંત દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે.
કારના નંબર સાથેનો વીડિયો આવ્યો સામે
બારડોલી – કડોદરા રોડ પર થયેલા આ અકસ્માતની ઘટનામાં પોલીસ પણ હત્યારા કારચાલકને શોધવા માટે તપાસ કરી રહી હતી ત્યારે આ ઘટનામાં પોલીસને બે દિવસ બાદ એક યુવાને પોલીસને આ ઘટના અંગેને એક વીડિયો આપ્યો હતો. જેના આધારે પોલીસે આરોપીની કારની ઓળખ કરી લીધી છે. આ યુવાન અકસ્માત સમયે પેલી કારની પાછળ આવી રહ્યો હતો, જેણે યુવાનને પડયા બાદની ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. અને જેના કારણે પોલીસ આરોપીના ઘર સુધી પહોંચી ગઈ છે. અને ગાડી અને એડ્રેસની પુષ્ટિ પણ કરી લીધી છે. જેથી પોલીસે આ હીટ એન્ડ રનના આ ગુનાને ડિટેક્ટ કરી નાખ્યો છે, પરંતુ આરોપી હજી ફરાર છે. અને ફરાર કાર ચાલકને ટૂંક જ સમયમાં ઝડપી પડવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. આ યુવાને અકસ્માત સમયે દાખવેલી સતર્કતાને કારણે પોલીસને ગુનો ઉકેલવામાં સફળતા મળી છે.
આ પણ વાંચો : GCMMFમાં નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની નિયુક્તિ, શામળ પટેલ અને વલમજી રિપીટ