ચૂંટણી ચિન્હને લઈ દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટીપ્પણી, જાણો શું કહ્યું ?


ચૂંટણી ચિન્હને લઈને શિવસેનાના બે જૂથ વચ્ચે ચાલતી લડાઈ દરમિયાન દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. દિલ્હી હાઈકોર્ટે સોમવારે કહ્યું હતું કે રાજકીય પક્ષો ચૂંટણી ચિન્હને તેમની મિલકત તરીકે જાહેર કરી શકતા નથી અને ખરાબ પ્રદર્શન માટે પ્રતીક છીનવી પણ શકે છે. હાઇકોર્ટે આ આદેશ શિવસેના (ઉદ્ધવ જૂથ)ને તેના ચૂંટણી પ્રતીક તરીકે સળગતી મશાલ મેળવવા સામેની તેમની અરજીને ફગાવી દેવાના સિંગલ જજના આદેશને પડકારતી સમતા પાર્ટીની અરજી પર સુનાવણી કરતી વખતે આપ્યો હતો. અરજદારે દાવો કર્યો હતો કે સળગતી મશાલ તેનું ચૂંટણી ચિન્હ છે અને તેણે આ ચિન્હ પર ચૂંટણી લડી હતી. ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ ભારતના ચૂંટણી પંચના કેસમાં સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ચૂંટણી ચિન્હ કોઈ ચીજવસ્તુ નથી અને ન તો તે આવક પેદા કરે છે.
ઠાકરે જૂથ અને શિંદે જૂથ વચ્ચે છે લડાઈ
ઉલ્લેખનીય છે કે, મુળ શિવસેનાથી છુટા પડેલા એકનાથ શિંદે જૂથ દ્વારા શિવસેનાના ચિન્હ ઉપર પોતાનો હક છે તેવો દાવો માંડ્યો હતો જેના સંદર્ભે ઠાકરે જૂથ દ્વારા સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી. જેને લઈને બંને જૂથો સામસામે આવી ગયા હતા. ત્યારે ચિન્હને લઈને કરવામાં આવેલી આ ટિપ્પણી બંને પક્ષો માટે મહત્વની છે.