ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સક્ષમ મહિલાઓએ ભરણપોષણની માગણી ન કરવી જોઇએઃ જાણો કઈ હાઈકોર્ટે ચુકાદો આપ્યો?

નવી દિલ્હી, તા. 20 માર્ચ, 2025: દિલ્હી હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સક્ષમ મહિલાઓએ ભરણપોષણની માગણી ન કરવી જોઇએ તેમ કહ્યું હતું. ન્યાયાધીશ ચંદ્રધારી સિંહે ચુકાદો આપતાં કહ્યું કે, પતિ-પત્ની વચ્ચે સમાનતા હોવી જોઈએ. પત્ની, બાળકો અને માતા-પિતાને સુરક્ષા આપવાની વાત કરે છે પરંતુ તેઓ બેકાર બેઠા રહેવાને પ્રોત્સાહન આપતા નથી. હાઈકોર્ટે મહિલાની અરજીને નકારી કાઢી હતી. જેમાં તેણે પતિથી અલગ થઈને ભરણપોષણની માંગ કરી હતી.

ન્યાયાધીશ સિંહે કહ્યું, એક સારી શિક્ષિત પત્ની, જેને નોકરીનો સારો અનુભવ હોય, તેણે ફક્ત પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે ખાલી ન બેસવું જોઈએ. તેથી, હાલના કેસમાં વચગાળાના ભરણપોષણની માંગણી ટકી શકે નહીં, કારણ કે આ કોર્ટને લાગે છે કે અરજદાર પાસે કમાવવાની અને શિક્ષણ મેળવવાની ક્ષમતા છે.

જોકે, કોર્ટે તેણીને આત્મનિર્ભર બનવા માટે સક્રિયપણે નોકરી શોધવા માટે પ્રોત્સાહિત કરતા કહ્યું, તેણી પાસે બહોળો અનુભવ છે અને તે સાંસારિક બાબતોથી પરિચિત છે, જ્યારે અન્ય અશિક્ષિત સ્ત્રીઓ મૂળભૂત આજીવિકા માટે સંપૂર્ણપણે તેમના પતિ પર નિર્ભર છે.

2019માં થયા હતા લગ્ન

આ દંપતીએ ડિસેમ્બર 2019 માં લગ્ન કર્યા અને બંને સિંગાપોર રહેવા ગયા. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિ અને તેના પરિવારના સભ્યો પર થયેલા અત્યાચારને કારણે તે ફેબ્રુઆરી 2021 માં ભારત પાછી ફરી હતી. તેણીએ દાવો કર્યો હતો કે ભારત પાછા ફરવા માટે તેણીને તેના ઘરેણાં વેચવા પડ્યા હતા અને આર્થિક મુશ્કેલીઓને કારણે તેણી તેના મામા સાથે રહેવા લાગી હતી.

જૂન 2021 માં, તેણીએ તેના પતિ પાસેથી ભરણપોષણની માંગણી કરતી અરજી દાખલ કરી. નીચલી કોર્ટે અરજી ફગાવી દીધી હતી, ત્યારબાદ તેમણે હાઇકોર્ટનો સંપર્ક કર્યો. પુરુષે અરજીનો વિરોધ કરતા કહ્યું કે તે કાયદાનો દુરુપયોગ છે. મહિલા ઉચ્ચ શિક્ષિત અને કમાણી કરવા સક્ષમ હતી છતાં ન કર્યું. કોર્ટે કહ્યું કે મહિલા ફક્ત બેરોજગારીના આધારે ભરણપોષણનો દાવો કરી શકતી નથી.

કોર્ટે શું કરી નોંધ

મહિલાને કોઈપણ રાહત આપવાનો ઇનકાર કરતા, હાઈકોર્ટે કહ્યું કે તે સમજી શકતી નથી કે સ્વસ્થ અને સક્ષમ હોવા છતાં, તેણીએ ભારત પરત ફર્યા પછી નિષ્ક્રિય રહેવાનું કેમ પસંદ કર્યું. કોર્ટે શોધી કાઢ્યું કે મહિલા પાસે ઓસ્ટ્રેલિયાથી અનુસ્નાતકની ડિગ્રી છે અને લગ્ન પહેલા તે દુબઈમાં સારી કમાણી કરતી હતી. નીચલી કોર્ટ સાથે સંમત થતાં, હાઈકોર્ટે કહ્યું કે મહિલાએ દાવો કર્યો હતો કે તે ખાલી બેસી શકતી નથી અને નોકરી શોધવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેણીએ તેના દાવાના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કર્યા નથી કે ન તો તેણીની વ્યવસાયિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી છે. જેથી તેની અરજી ફગાવી દેવામાં આવે છે.

આ પણ વાંચોઃ મોટો નિર્ણયઃ હવે આધાર કાર્ડ સાથે લિંક થશે ચૂંટણી કાર્ડ

Back to top button