ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો, ધરપકડને પડકારતી અરજી ફગાવી દીધી

Text To Speech

નવી દિલ્હી, 09 એેપ્રિલ: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. ED દ્વારા ધરપકડ અને અટકાયતને પડકારતી તેમની અરજી કોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ચુકાદો આપતાં કહ્યું કે આ કેન્દ્ર સરકાર અને કેજરીવાલ વચ્ચે નહીં, પરંતુ ED અને તેમની વચ્ચેનો મામલો છે. એજન્સીએ તેમની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. કોઈને વિશેષાધિકાર આપી શકાય નહીં. ED પાસે પૂરતા પુરાવા છે. તપાસમાં મુખ્યમંત્રીને પૂછપરછમાંથી છૂટ આપી શકાય નહીં. ન્યાયાધીશો કાયદાથી બંધાયેલા છે, રાજકારણથી નહીં.મતલબ કે તે અત્યારે તિહાર જેલમાં જ રહેશે અને ત્યાંથી સરકાર ચલાવશે

કેજરીવાલ સાક્ષીઓના નિવેદનોને નકારી શકતા નથી: કોર્ટ

ચુકાદો આપતી વખતે ન્યાયાધીશે કહ્યું, આ જામીનની સુનાવણીનો કેસ નથી, પરંતુ ધરપકડની કાયદેસરતાને પડકારવામાં આવી છે. EDએ એમ પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલ વ્યક્તિગત રીતે અને AAP કન્વીનર તરીકે દારૂ કૌભાંડના કાવતરામાં સંડોવાયેલા હતા. કોર્ટે કહ્યું કે, કેજરીવાલ સાક્ષીઓના નિવેદનોને નકારી શકતા નથી, પરંતુ ચોક્કસપણે તેમની પૂછપરછ કરી શકે છે. જજે કેજરીવાલની એ દલીલને પણ નકારી કાઢી હતી જેમાં ધરપકડના સમય પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ન્યાયાધીશે કડક શબ્દોમાં કહ્યું, કોર્ટ એ રાજકારણનો અખાડો નથી. ન્યાયાધીશો કાયદા દ્વારા સંચાલિત થાય છે, રાજકારણથી નહીં. સીએમ સહિત દરેક માટે કાયદા સમાન છે.

તેમની ધરપકડ સિવાય કેજરીવાલે તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં મોકલવાને પણ પડકાર્યો હતો. EDની કસ્ટડી બાદ કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ તિહાર જેલમાં બંધ છે. એક્સાઇઝ પોલિસી ‘કૌભાંડ’ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી. ED કસ્ટડીનો સમયગાળો પૂરો થયા બાદ નીચલી કોર્ટમાં રજૂ કર્યા બાદ AAP નેતાને 1 એપ્રિલે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

કેજરીવાલ હાઈકોર્ટના નિર્ણયને SCમાં પડકારી શકે છે

મળતી માહિતી અનુસાર, AAP દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સાથે સહમત નથી. અરવિંદ કેજરીવાલ હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જશે. આવતીકાલે તેમના દ્વારા આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી શકે છે. આ પહેલા પણ એક સપ્તાહમાં દારૂ કૌભાંડમાં બે કોર્ટના નિર્ણય આવી ચૂક્યા છે. AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે અને તેમને જામીન મળી ગયા છે. જ્યારે બીઆરએસ નેતા કે. કવિતાની જામીન અરજી ટ્રાયલ કોર્ટ (રાઉઝ એવન્યુ કોર્ટ) દ્વારા ફગાવી દેવામાં આવી છે.

આ પણ વાંચો: જેલનો જવાબ વોટથીઃ કેજરીવાલના ફોટા સાથે AAPએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર

Back to top button