જસ્ટિસ વર્મા પાસેથી મળેલી કથિત રોકડ અંગેનો રિપોર્ટ દિલ્હી HCના મુખ્ય ન્યાયાધીશે CJIને સોંપ્યો

નવી દિલ્હી, 22 માર્ચ : જસ્ટિસ યશવંત વર્માના બંગલામાંથી રોકડ રકમની કથિત વસૂલાતના કેસની તપાસ કરી રહેલા દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયે ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્નાને પોતાનો અહેવાલ સુપરત કર્યો છે. આ તપાસ રિપોર્ટના આધારે CJI આગળની કાર્યવાહી કરશે. દિલ્હી હાઈકોર્ટના સિનિયર જજ યશવંત વર્મા ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમના નિવાસસ્થાનમાંથી મોટી રકમ મળી આવી હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા.
શું હતો મામલો ?
14 માર્ચે હોળીની રાત્રે, લુટિયન્સ દિલ્હીમાં જસ્ટિસ વર્માના સરકારી નિવાસસ્થાનમાં આગ લાગી હતી. ન્યાયાધીશ યશવંત વર્મા તે સમયે ઘરે નહોતા અને કોઈ કામ માટે દિલ્હીની બહાર ગયા હતા. તેમના પરિવારના સભ્યોએ આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની મદદ માંગી. દિલ્હી ફાયર વિભાગે તાત્કાલિક એક ટીમ ન્યાયાધીશના ઘરે મોકલી. આ પછી મીડિયામાં સમાચાર આવ્યા કે જસ્ટિસ વર્માના સરકારી બંગલામાં આગ ઓલવતી વખતે મોટી માત્રામાં રોકડ જોવા મળી હતી.
જસ્ટિસ યશવંત વર્માની અલ્હાબાદ હાઇકોર્ટમાં બદલી
દરમિયાન, 20 માર્ચે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કોલેજિયમની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં જસ્ટિસ વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ઉપરાંત, આ કેસની તપાસ દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપવામાં આવી હતી. આ તપાસ રિપોર્ટના આધારે જસ્ટિસ વર્માના ટ્રાન્સફર અંગેનો નિર્ણય લેવામાં આવશે. જોકે, આ કેસમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે દિલ્હી ફાયર બ્રિગેડના વડા અતુલ ગર્ગે દાવો કર્યો કે જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાને આગ ઓલવતી વખતે ફાયર ફાઇટર્સને કોઈ રોકડ રકમ મળી ન હતી.
દિલ્હી ફાયર વિભાગે રોકડ રકમ મળવાનો ઇનકાર કર્યો
અતુલ ગર્ગે કહ્યું, ‘૧૪ માર્ચે રાત્રે ૧૧.૩૫ વાગ્યે કંટ્રોલ રૂમને જસ્ટિસ વર્માના નિવાસસ્થાને આગ લાગવાની માહિતી મળી. તાત્કાલિક બે ફાયર એન્જિન ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. રાત્રે ૧૧:૪૩ વાગ્યે ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા. આગ સ્ટેશનરી અને ઘરવખરીની વસ્તુઓથી ભરેલા સ્ટોર રૂમમાં લાગી હતી અને ફાયર ફાઇટર્સને તેને કાબુમાં લેવામાં 15 મિનિટ લાગી હતી. આગ ઓલવ્યા પછી તરત જ, અમે પોલીસને ઘટનાની જાણ કરી. આગ ઓલવતી વખતે અમારા અગ્નિશામકોને કોઈ રોકડ રકમ મળી ન હતી.
જસ્ટિસ વર્માની અલ્હાબાદ હાઇકોર્ટમાં બદલીનો વિરોધ
દરમિયાન, અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશને જસ્ટિસ યશવંત વર્માને દિલ્હી હાઈકોર્ટમાંથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા સામે ઝુંબેશ શરૂ કરી છે. બાર એસોસિએશનના પ્રમુખ અનિલ તિવારીએ કહ્યું, ‘અલાહાબાદ હાઈકોર્ટ કચરાના ઢગલા કે ભ્રષ્ટાચારનો અડ્ડો નથી જ્યાં ભ્રષ્ટાચારના આરોપી કોઈપણ ન્યાયાધીશની બદલી કરી શકાય છે.’ સુપ્રીમ કોર્ટ કોલેજિયમનો આ નિર્ણય અલ્હાબાદ હાઈકોર્ટને તોડવાનો ઈરાદો દર્શાવે છે, પરંતુ બાર એસોસિએશન ક્યારેય આવું થવા દેશે નહીં. તેમની ફરજ ન્યાયતંત્રમાં સામાન્ય જનતાનો વિશ્વાસ જાળવી રાખવાની છે.
આ પણ વાંચો : ચારમાંથી ફક્ત ત્રણ ટિકિટ જ કન્ફર્મ થઈ હોય તો જાણો કેવી રીતે થશે ટ્રેનની સફર?