દિલ્હી સરકારે 400 થી વધુ વૃક્ષો કાપવાની જવાબદારી લેવી જોઈએ: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 17 જુલાઇ : દિલ્હી સરકાર દ્વારા દિલ્હીમાં વૃક્ષો કાપવા પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું છે કે દિલ્હી સરકારે પર્યાવરણ બચાવવા માટે સંવેદનશીલતા દાખવી નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી સરકારે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીને સધર્ન રિજ રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં 422 વૃક્ષો કાપવાની મંજૂરી આપી છે. આ પરવાનગી રોડ બનાવવા માટે આપવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે માર્ગ પહોળો કરવાના પ્રોજેક્ટ હેઠળ રિજ વિસ્તારમાં 1,100 વૃક્ષો કાપવાના મામલે DDAના વાઇસ-ચેરમેન દ્વારા કરવામાં આવેલી તિરસ્કારની કાર્યવાહીની સુઓ મોટુ સંજ્ઞાન લીધું છે. જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુયાનની બેન્ચે કોર્ટમાં સુનાવણી હાથ ધરી છે.
કોર્ટે કહ્યું કે, દિલ્હી સરકારે 422 વૃક્ષો કાપવાની જવાબદારી લેવી જોઈએ. જ્યારે દિલ્હી સરકાર પાસે આવી પરવાનગી આપવાની સત્તા નથી. કોર્ટે 12 જુલાઈના રોજ પોતાના આદેશમાં આ વાત કહી છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે રિજ વિસ્તારના વૃક્ષો ઉપરાંત, સરકારે દિલ્હી પ્રિઝર્વેશન ઑફ ટ્રીઝ એક્ટ, 1994 હેઠળ પરવાનગી વિના રિજ વિસ્તારની બહારના વૃક્ષોને કાપવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ડીડીએની જેમ દિલ્હી સરકારે પર્યાવરણની સુરક્ષામાં સંવેદનશીલતા દાખવી નથી.
કોર્ટની બેન્ચે કહ્યું કે દિલ્હી સરકારે ન તો ટ્રી ઓફિસર પૂરા પાડ્યા છે અને ન તો ટ્રી ઓથોરિટીને કોઈ ઓફિસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડ્યું છે. કોર્ટે કહ્યું કે દિલ્હી સરકારનું એફિડેવિટ પણ દર્શાવે છે કે આ પહેલીવાર નથી, પરંતુ આ પહેલા પણ પરવાનગી વગર વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવી હતી. દિલ્હી સરકારનું કહેવું છે કે DDAએ સ્વીકાર્યું છે કે તેમણે દિલ્હી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન યોગ્ય રીતે વાંચ્યું નથી.
કોર્ટની બેન્ચે કહ્યું કે અમે દિલ્હી સરકારને આદેશ આપ્યો છે કે તે જણાવે કે છેલ્લા પાંચ વર્ષમાં આવી કેટલી પરમિશન આપવામાં આવી છે. કોર્ટે આ તમામને રેકોર્ડ પર લાવવાનો આદેશ આપ્યો છે. દિલ્હી સરકાર વતી કોર્ટમાં હાજર વરિષ્ઠ એડવોકેટ આદિત્ય સોંધીએ કોર્ટને ખાતરી આપી હતી કે 6 અઠવાડિયાની અંદર ઓફિસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાફ અને જરૂરી હાર્ડવેર અને સોફ્ટવેર ટ્રી ઓથોરિટી અને અધિકારીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પણ વાંચો :શું અરવિંદ કેજરીવાલને મળશે જામીન? દિલ્હી હાઈકોર્ટે નિર્ણય રાખ્યો અનામત