દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસ: EDએ મનીષ સિસોદિયા અને અન્યની રૂ. 52 કરોડની સંપત્તિ જપ્ત કરી
AAP નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, તેમની પત્ની અને અન્ય લોકોની ED દ્વારા 52 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તપાસ એજન્સીએ આ કાર્યવાહી અંગે નિવેદન જાહેર કર્યું છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ED અને CBI દ્વારા સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી.
ED અનુસાર 52 કરોડ રૂપિયાની આ મિલકતમાં મનીષ સિસોદિયા, તેમની પત્ની સીમા સિસોદિયાની બે સંપત્તિ તેમજ રાજેશ જોશી અને ગૌતમ મલ્હોત્રાની 7 કરોડ 29 લાખ રૂપિયાની જમીન અને ફ્લેટનો સમાવેશ થાય છે. જેમાં 44 કરોડ 29 લાખ રૂપિયાની રોકડ અને જંગમ સંપત્તિ છે. તેમાંથી 11 લાખ 49 હજાર રૂપિયા મનીષ સિસોદિયાના છે અને 16 કરોડ 45 લાખ રૂપિયા બ્રિન્ડકો સેલ્સ પ્રાઈવેટ લિમિટેડ અને અન્યના છે. એક્સાઇઝ પોલિસીમાં મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં EDએ અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરી છે.
ફેબ્રુઆરીમાં થઈ હતી ધરપકડ
આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીએ એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સિસોદિયાને બાદમાં આ જ કેસ સાથે સંબંધિત કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
ચાર દિવસ પહેલા એટલે કે 3 જુલાઈના રોજ દિલ્હી હાઈકોર્ટે પણ મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી, ત્યાર બાદ તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા છે. તેણે પત્ની સીમા સિસોદિયાની ખરાબ તબિયતને ટાંકીને જામીન માટે અરજી કરી છે.