ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી આબકારી નીતિ: BRS નેતા કે. કવિતાને સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો કર્યો ઈનકાર

  • ED દ્વારા 15 માર્ચના રોજ કે. કવિતાની હૈદરાબાદ સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી

નવી દિલ્હી, 22 માર્ચ: દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા અને તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવના MLC પુત્રી કે. કવિતાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા નથી. કોર્ટે આજે શુક્રવારે કે. કવિતાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. કાલવકુંતલા કવિતાની 15 માર્ચે ED દ્વારા હૈદરાબાદ સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ EDની ટીમ કવિતાને હૈદરાબાદથી દિલ્હી લાવ્યા હતા, જ્યાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

 

કે. કવિતા નીચલી કોર્ટમાં જઈ શકે છે

કે. કવિતાની ધરપકડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ પણ જારી કરી છે. કોર્ટનું કહેવું છે કે, કવિતા નીચલી કોર્ટમાં જઈ શકે છે અથવા જામીન માટે કોઈ અન્ય ઉપાય અપનાવી શકે છે. જો જામીન અરજી દાખલ કરવામાં આવે તો તેનો ઝડપથી નિર્ણય થઈ શકે છે.

 

જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીની બેંચે આદેશ આપ્યો કે, “પ્રોટોકોલની અવગણના કરવામાં ન આવે. બધા માટે એકસમાન નીતિનું પાલન કરવું પડશે અને તેમને જામીન માટે સીધા સુપ્રીમ કોર્ટમાં આવવાની મંજૂરી આપી શકાય નહીં.”

ખંડપીઠે વધુમાં કહ્યું કે, “જ્યાં સુધી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓને પડકારતી કવિતાની અરજીનો પ્રશ્ન છે, કોર્ટ EDને નોટિસ જારી કરીને છ સપ્તાહમાં તેનો જવાબ માંગી રહી છે.”

બેંચે કવિતા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને કહ્યું કે, આ જોગવાઈઓને પડકારતી અરજી પેન્ડિંગ કેસની સાથે આવશે. જેના પર શરૂઆતમાં સિબ્બલે કહ્યું કે, “સરકારી સાક્ષીના નિવેદનના આધારે લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે.” તેના પર બેંચે કહ્યું કે, “તે હાલમાં કેસની યોગ્યતા પર વિચાર કરી રહી નથી.”

15 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી

કે. કવિતાની 15 માર્ચે ED દ્વારા હૈદરાબાદ સ્થિત તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ EDની ટીમ કવિતાને હૈદરાબાદથી દિલ્હી લાવી હતી, જ્યાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા કે. કવિતાને 23 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

કે. કવિતા પર શું આરોપ છે?

EDનો દાવો છે કે, કે. કવિતાએ કથિત રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. જે અંતર્ગત AAP નેતાઓને દિલ્હી લિકર પોલિસીમાં લાભ મેળવવા માટે લગભગ 100 કરોડ રૂપિયા ચુકવ્યા હતા. કે. કવિતા કથિત સાઉથ લોબીનો ભાગ હોવાનું કહેવાય છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં EDએ અત્યાર સુધીમાં દેશભરમાં 245 સ્થળો પર દરોડા પાડ્યા છે અને મનીષ સિસોદિયા, સંજય સિન્હા તેમજ વિજય નાયર સહિત 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ જુઓ: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને આપ્યા જામીન

Back to top button