દિલ્હીમાં ચૂંટણી પહેલાં BJPનો વીડિયો-બોંબ, કેજરીવાલ પર લગાવ્યા ગંભીર આરોપઃ જુઓ
નવી દિલ્હી, 27 જાન્યુઆરી 2025: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે વોટિંગથી થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વાર કથિત શીશમહેલના મુદ્દાને હવા આપી છે. ભાજપે એક નવો વીડિયો જાહેર કર્યો છે, જેમાં બંગલાની અંદરનો ખૂણે ખૂણો બતાવ્યો છે. મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા સુધી આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આ બંગલામાં રહેતા હતા. ભાજપનો આરોપ છે કે, તેમણે સરકારી આવાસમાં પોતાની સુખ સુવિધા પર કરોડો રુપિયા ખર્ચ્યા છે. ભાજપ અને કોંગ્રેસ તરફથી તેને શીશમહેલ ગણાવીને કેજરીવાલ પર કટાક્ષ કરી રહ્યા છે.
દિલ્હી ભાજપે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર 14 મિનિટનો એક વીડિયો શેર કર્યો છે.વીડિયોમાં બંગલાની બહારથી અંદર તરફથી સફર કરાવે છે. બેડરુમ, ડ્રોઈંગ રુમ, બાથરુમથી જિમ સુધી ઝીણવટપૂર્વક કેમેરો દરેક ખૂણામાં પહોંચે છે. કહેવાય છે કે આ વીડિયોને ત્યારે બનાવામાં આવ્યો છે, જ્યારે અરવિંદ કેજરીવાલ બંગલો ખાલી કરી રહ્યા હતા અને આતિશાના નામે ફાળવતા પહેલા પીડબ્લ્યૂડી તરફથી ઈવેન્ટ્રી તૈયાર કરવામાં આવી હતી.
ભાજપના આઈટી સેલના ચીફ અમિત માલવીયે એક્સ પર લખ્યું કે, એક તરફ અરવિંદ કેજરીવાલ એવું કહે છે કે તેમને કામ કરતા રોકવામાં આવ્યા, પણ કોરોના કાળ દરમ્યાન તેમણે પોતાના ભવ્ય શીશમહેલ બનાવી દીધો, ત્યારે તેમને કોઈએ રોક્યા નહીં. ભાજપનો આરોપ છે કે કેજરીવાલે આ બંગલાના નવીનીકરણ પર ખોટો કરોડો રુપિયાનો ખર્ચ કર્યો છે. હાલમાં જ મીડિયામાં લીક સીએજી રિપોર્ટમાં પણ બંગલા પર ખર્ચ કરવામાં આવેલ વિવરણ સામે આવ્યું હતું. તેમાં જણાવ્યું હતું કે, એક ટીવી લગભગ 29 લાખ રુપિયાનું લગાવ્યું છે.