દિલ્હીની દિન દયાળ ઉપાધ્યાય કોલેજ સપ્તાહમાં પાંચ જ દિવસ કામ કરવાનો નિર્ણય કર્યો છે. ફંડની અછત અને દિલ્હી સરકાર સાથે ગ્રાન્ટ મુદ્દે ચાલી રહેલી માથાકૂટને લઈ દિલ્હી યુનિવર્સિટીની DDU કોલેજનો સ્ટાફ સપ્તાહમાં પાંચ જ દિવસ કામ કરશે. આ નિર્ણયથી સપ્તાહના બે દિવસ વીજળી તેમજ અન્ય ખર્ચાઓની બચત થશે. દિન દયાળ ઉપાધ્યાય કોલેજ દિલ્લી યુનિવર્સિટીની 12 કોલેજમાંથી એક છે જેને દિલ્હીની સરકાર ફંડ પૂરું પાડે છે.
DDUના નિર્ણય પર સરકારની કોઈ ટિપ્પણી નહીં
દિન દયાળ ઉપાધ્યાય કોલેજ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગ્રાન્ટની ફાળવણી માટે માંગણી કરવામાં આવી રહી છે. તો કોલેજના અધ્યાપકો દ્વારા પણ સેલેરી ન મળવાને લઈ વિરોધ કરવામાં આવી રહ્યા છે. 2 વર્ષથી વધુ સમયથી કોલેજના અધ્યાપકો સહિતનો સ્ટાફ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સરકારની એકવાર રચના બાદ તમામ સમસ્યાઓનો અંત આવશે તેવી દિલ્હી સરકાર દ્વારા બાંહેધરી અગાઉ આપવામાં આવી હતી. પરંતુ, હજુ સુધી સમસ્યા તેમની તેમ હોવાનું અધ્યાપકોનું કહેવું છે. અધ્યાપકોએ વધુમાં કહ્યું કે-શનિવારે કોલેજને બંધ રાખીને મહત્વના ખર્ચા ઘટી જશે. અધ્યાપકોનો દાવો છે કે છેલ્લા બે મહિનાથી તેઓને સેલેરી મળી નથી.
દિલ્લી યુનિવર્સિટી ટીચર્ચ એસોસિએશને દિલ્હીના એલજી વી.કે.સક્સેના સાથે મુલાકાત કરી અને ચાલુ નાણાકીય વર્ષમાં બે ત્રિમાસિક ગાળાના આંશિક ભંડોળના પ્રકાશન અંગે દિલ્હી સરકારના ઉચ્ચ શિક્ષણ નિયામક દ્વારા શેર કરવામાં આવેલી અધૂરી અને ભ્રામક માહિતી સામે એક મેમોરેન્ડમ સબમિટ કર્યું અને તેને ઉકેલવા માટે તેમની દરમિયાનગીરીની માંગ કરી. DUTAએ 16 જુલાઈ 2022 ના રોજ અન્ય એક મેમોડેન્ડમ સબમિટ કર્યું હતું, જે ડિરેક્ટોરેટને મોકલવામાં આવ્યું હતું જેણે કથિત રીતે 12 કોલેજોને અનુદાન મુક્ત કરવા વિશે ટીચર્સ એસોસિએશનને ગેરમાર્ગે દોરતી માહિતી આપી હતી.