નિક્કી હત્યા કેસઃ સાહિલના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર
નિક્કી યાદવ મર્ડર કેસમાં કોર્ટે આરોપી સાહિલ ગેહલોતના પોલીસ રિમાન્ડમાં બે દિવસનો વધારો કર્યો છે, જોકે પોલીસે ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. બીજી તરફ નિક્કી હત્યા કેસમાં બાકીના 5 આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. અગાઉ નિક્કી હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે સાહિલ સહિત તમામ છ આરોપીઓને દ્વારકા કોર્ટમાં રજૂ કર્યા હતા.
નોંધનીય છે કે, નિક્કી યાદવનો મૃતદેહ 14 ફેબ્રુઆરીએ દિલ્હીની બહારના મિત્રાંવ ગામમાં સાહિલ ગેહલોતના ઢાબાના ફ્રીજમાંથી મળી આવ્યો હતો. 9 ફેબ્રુઆરીએ નિક્કીની હત્યા કર્યા બાદ સાહિલે તે જ દિવસે લગ્ન કરી લીધા હતા. પોલીસે સાહિલના પિતા, બે પિતરાઈ ભાઈ આશિષ અને નવીન અને બે મિત્રો અમર અને લોકેશની પણ નિક્કીથી છૂટકારો મેળવવા અને બીજી યુવતી સાથે લગ્ન કરવાનું કાવતરું ઘડવા બદલ ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ નિક્કી-સાહિલના થઈ ગયા હતા લગ્ન, હત્યા કેસમાં નવો ખુલાસો
નિક્કી-સાહિલના લગ્ન 2020માં થયા હતા
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી સાહિલ ગેહલોતની પોલીસ કસ્ટડી દરમિયાન લાંબી પૂછપરછ કરવામાં આવી હતી અને તેણે ખુલાસો કર્યો હતો કે નિક્કી તેને કોઈ અન્ય સાથે લગ્ન કરવા માટે ના પાડી રહી હતી, કારણકે તેઓ 2020માં લગ્ન કરી ચૂક્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે તે 9 ફેબ્રુઆરીએ સાહિલ સાથે લગ્ન ન કરવા વિનંતી કરી રહી હતી, જોકે, સાહિલે તેના પિતા, બે પિતરાઈ ભાઈઓ અને બે મિત્રો સાથે મળીને તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું અને મૃતકને તેના રસ્તામાંથી હટાવવાની યોજના બનાવી.
આ પણ વાંચોઃ નિક્કી યાદવ હત્યા કેસઃ PM રિપોર્ટમાં ખુલાસો, પોલીસને મળ્યા 2 CCTV ફૂટેજ
સાહિલના પિતા હત્યાના કેસમાં આરોપી
અધિકારીએ જણાવ્યું કે સાહિલે હત્યાની યોજનાને અંજામ આપ્યો અને તે જ દિવસે અન્ય સહ-આરોપીઓને તેની જાણ કરી અને પછી તે બધા લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા. આ કેસમાં પોલીસે વધુ એક ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું કે સાહિલના પિતા વીરેન્દ્ર સિંહ 25 વર્ષ પહેલા હત્યાના કેસમાં કથિત રીતે સામેલ હતા.
દિલ્હી હાઈકોર્ટે વીરેન્દ્ર સિંહને નિર્દોષ જાહેર કર્યા હતા
સૂત્રોએ દાવો કર્યો હતો કે ક્રિમિનલ રેકોર્ડની તપાસ અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે વીરેન્દ્ર સિંહની જમીન વિવાદમાં 1997માં એક વ્યક્તિને માર મારવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. વ્યક્તિએ ગંભીર ઇજાઓથી દમ તોડી દીધો હતો. સૂત્રોએ જણાવ્યું કે વીરેન્દ્રને સેશન્સ કોર્ટે 2001માં દોષિત ઠેરવ્યો હતો, પરંતુ બાદમાં તેણે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.