કાર્તિ ચિદમ્બરમને આગોતરા જામીન આપવાનો કોર્ટે ઇનકાર, જાણો શું છે સમગ્ર મામલો?
દિલ્હીની એક અદાલતે શુક્રવારે ચીનના નાગરિકોને વિઝા અપાવવાના કથિત કૌભાંડને લઈ નોંધાયેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કેસમાં કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમની આગોતરા જામીન અરજીને ફગાવી દીધી હતી.
સ્પેશિયલ જજ એમ.કે. નાગપાલે કાર્તિને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે તેમની અરજીને મંજૂરી આપવા માટે પૂરતું કોઈ કારણ નથી. EDએ તાજેતરમાં 2011માં 263 ચીની નાગરિકોને વિઝા આપવાના કથિત કૌભાંડ મામલે કાર્તિ તેમજ અન્ય શખ્સો વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.
PMLA હેઠળ કેસ નોંધાયો
ઉલ્લેખનીય છે કે 2011માં કાર્તિના પિતા પી.ચિદમ્બરમ કેન્દ્રીય ગૃહમંત્રી હતા. EDએ આ કેસમાં CBIના તાજેતરના ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ ને ધ્યાનમાં લઈને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ તેનો કેસ નોંધ્યો હતો.
કાર્તિએ આરોપોને નકારી કાઢ્યા
કાર્તિ પહેલાથી જ સમગ્ર મામલામાં સામેલ હોવાનો ઇનકાર કરી ચૂક્યો છે. તેણે કહ્યું કે FIRમાં ઉલ્લેખિત કોઈપણ કોર્પોરેટ સંસ્થાઓ સાથે મારું કોઈ જોડાણ નથી, જેમાં મને આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે. હું તેમના વિશે જાણતો નથી, કે હું ક્યારેય તેમની સાથે અથવા તેમના કોઈપણ પ્રતિનિધિઓ સાથે કોઈપણ રીતે સંકળાયેલો નથી. મારે નિશ્ચિતપણે કહેવું જોઈએ કે મેં એક પણ ચીની નાગરિકને તેમની વિઝા પ્રક્રિયામાં ક્યારેય સુવિધા આપી નથી.