ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

‘રેવડી કલ્ચર’ પર રાજનીતિ, PM પર કેજરીવાલના વાર

Text To Speech

PM મોદીએ ચૂંટણી પહેલા સરકારો દ્વારા આપવામાં આવતી મફત સુવિધાઓ પર કટાક્ષ કર્યો હતો. બુંદેલખંડ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ તેને રેવડી સંસ્કૃતિ ગણાવી હતી. હવે પીએમના નિવેદન પર દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા સામે આવી છે.

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હોસ્પિટલોમાં મફત સારવાર શું ખોટી છે? દિલ્હીમાં તમામ મેડિકલ ટેસ્ટ મફતમાં કરવામાં આવે છે. મને કહો કે અમે શું ખોટું કર્યું છે? હું દેશનો પાયો નાખું છું, હું રેવડી મફતમાં નથી વેંચી રહ્યો. પહેલા સરકારી શાળાઓની હાલત ખરાબ હતી. આજે ગરીબોના બાળકો NEET, JEE પાસ કરી રહ્યા છે. અમે હજારો બાળકોનું ભવિષ્ય બદલી નાખ્યું છે. હું બાળકોને મફત શિક્ષણ આપું છું. શું સરકારી શાળાઓમાં મફત શિક્ષણ આપવું ખોટું છે?

શું કહ્યું અરવિંદ કેજરીવાલે ?

તેમણે કહ્યું કે આપણા દેશના બાળકોને મફત અને સારું શિક્ષણ આપવું અને લોકોને સારી અને મફત સારવાર આપવી તેને ફ્રીમાં રેવડી વહેંચવી ન કહેવાય. અમે એક વિકસિત અને ગૌરવશાળી ભારતનો પાયો નાખી રહ્યા છીએ. આ કામ 75 વર્ષ પહેલા થઈ જવું જોઈતું હતું. સીએમ કેજરીવાલે કહ્યું કે દિલ્હીની સરકારી શાળાઓમાં 18 લાખ બાળકો અભ્યાસ કરે છે. જેમ દેશભરની સરકારી શાળાઓની સ્થિતિ ખરાબ હતી, તેમ જ દિલ્હીની સરકારી શાળાઓની પણ હાલત ખરાબ હતી. 18 લાખ બાળકોનું ભવિષ્ય બરબાદ થયું. આજે આ બાળકોનું ભવિષ્ય સારુ બનાવ્યું તો મે શું ગુનો કર્યો ?

કેજરીવાલે જણાવ્યો ફ્રી રેવડીનો અર્થ

અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ ફ્રીની રેવડી શું છે, હું તમને જણાવું. એક કંપનીએ ઘણી બેંકો પાસેથી લોન લીધી અને પૈસા ખાઈ ગઈ. બેંક નાદાર થઈ ગઈ અને તે કંપનીએ એક રાજકીય પક્ષને કરોડો રૂપિયાનું દાન આપ્યું અને સરકારે તે કંપની સામે કોઈ પગલાં ન લીધા. આ ફ્રી રેવડી કલ્ચર છે. અમે ફરિસ્તા યોજના દ્વારા 13 હજાર લોકોના જીવ બચાવ્યા છે, તેમને પૂછો કે શું આ ફ્રી રેવડી છે. તમારા મંત્રીઓને મફતમાં વીજળી મળે છે. જ્યારે અમે લોકોને મફતમાં વીજળી આપીએ છીએ તો શું આ ફ્રી રેવડી છે? અમે 17 હજાર લોકોને મફતમાં યોગ શીખવીએ છીએ. લગભગ 45 હજાર જેટલા વડીલોએ વિનામૂલ્યે તીર્થયાત્રા કરી છે, તે પુણ્યની વાત છે, પરંતુ તેઓ મને કહી રહ્યા છે કે, તે ફ્રીમાં રેવડી વેંચી રહ્યા છે.

PM મોદીએ ‘રેવડી કલ્ચર’ પર શું કહ્યું હતું?

તમને જણાવી દઈએ કે બુંદેલખંડ એક્સપ્રેસવેના ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે આપણા દેશમાં ફ્રી રેવડીનું વિતરણ કરીને વોટ એકત્રિત કરવાની કલ્ચર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે અત્યંત જોખમી છે. દેશની જનતાએ આ રેવડી કલ્ચરથી ખૂબ જ સાવચેત રહેવું પડશે. પીએમના આ નિવેદન પર દિલ્હીના સીએમએ પ્રતિક્રિયા આપી છે.

Back to top button