IPL-2024નેશનલવિશેષસ્પોર્ટસ

દિલ્હીએ વિવાદિત નિર્ણય બાદ રાજસ્થાનને હરાવ્યું

મે 8, નવી દિલ્હી: નવી દિલ્હીના ફિરોઝશાહ કોટલા ખાતે આવેલા અરુણ જેટલી સ્ટેડિયમમાં ગઈકાલે દિલ્હી અને રાજસ્થાન વચ્ચે IPLની મહત્વની મેચ રમાઈ હતી. આ મેચ આમતો દિલ્હી સરળતાથી જીતી ગયું હતું પરંતુ મેચમાં થર્ડ અમ્પાયર દ્વારા આપવામાં આવેલા એક વિવાદિત નિર્ણય બાદ ગરમી આવી ગઈ હતી.

દિલ્હીએ પહેલી બેટિંગ કરતાં 221 રન્સ બનાવ્યા હતા. સામાન્ય રીતે આટલો મોટો સ્કોર ચેઝ કરવો કોઇપણ ટીમ માટે અઘરો હોય છે. તેમ છતાં અરુણ જેટલી સ્ટેડિયમની સાઈઝ જોતાં અને રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોનું ફોર્મ જોતાં આ ટાર્ગેટ એચીવ થઇ શકે તેમ હતો.

રાજથાન રોયલ્સની શરૂઆત આમતો સારી ન રહી હતી. તેના બંને ઓપનર્સ એટલેકે યશસ્વી જયસ્વાલ અને જોસ બટલર જલદી જલદી આઉટ થઇ ગયા હતા. પરંતુ ત્યારબાદ સંજુ સેમસને એક છેડો સાંભળી રાખીને પરંતુ આક્રમક બેટિંગ કરીને પોતાની ટીમને મેચમાં બનાવી રાખી હતી.

સેમસનને રિયાન પરાગ અને શુભમ દુબેએ સાથ આપ્યો અને એક સમયે એવું લાગતું હતું કે રાજસ્થાન આ મેચને છેક દૂર સુધી લઇ જઈને જીતી જશે. પરતું ત્યાં જ આવી પડ્યો એક વિવાદિત નિર્ણય.

સંજુ સેમસને મુકેશ કુમારના એક બોલને સિક્સર મારવાનો પ્રયાસ કર્યો પરંતુ લોંગ ઓન બાઉન્ડ્રી પર ઉભેલા શેઇ હોપે છેક બાઉન્ડ્રી રોપ પર માંડ માંડ પોતાનું બેલેન્સ જાળવીને કેચ પકડી લીધો. ઓન ફિલ્ડ અમ્પાયર્સને ડાઉટ જતાં તેમણે આ નિર્ણય થર્ડ અમ્પાયરને રીફર કર્યો હતો.

થર્ડ અમ્પાયરે ઘણી બધી રિપ્લે જોઇને સંજુ સેમસનને આઉટ આપ્યો હતો. પરંતુ, ફેન્સ થર્ડ અમ્પાયર પર તૂટી પડ્યા હતા, કારણકે અમુક રિપ્લે એવું દેખાડતી હતી કે શેઇ હોપનો બૂટ સહેજ બાઉન્ડ્રી રોપને અડી ગયો છે, જ્યારે અમુક રિપ્લે આવું દેખાડતી ન હતી.

સામાન્ય રીતે અમ્પાયરના મનમાં જો કોઈ શંકા હોય તો તે તેનો લાભ બેટ્સમેનને આપતો હોય છે, પરંતુ અહીં એવું ન બન્યું. આઉટ આપ્યા બાદ સંજુ સેમસને પણ ઓન ફિલ્ડ અમ્પાયરો સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો પરંતુ નિર્ણય લેવાઈ ચૂક્યો હતો આથી તેણે નિરાશ થઈને ડગઆઉટમાં પરત થવું પડ્યું હતું.

સંજુ સેમસન જ્યારે ઓન ફિલ્ડ અમ્પાયરો સાથે ચર્ચા કરી રહ્યો હતો ત્યારે દિલ્હી કેપિટલ્સના માલિક પાર્થ જિંદલે VIP બોક્સમાંથી અમ્પાયરો તરફ પોતાની આંગળી કરી ને ‘આઉટ હૈ, આઉટ હૈ’ ના ઈશારા કર્યા હતા. આ દ્રશ્યે પણ ક્રિકેટ ફેન્સનો ગુસ્સો પાર્થ જિંદલ તરફ વાળી દીધો હતો અને તેની આકરામાં આકરી ટીકા કરી હતી.

Back to top button