દિલ્હીના બજેટને કેન્દ્રીય ગૃહમંત્રાલયે આપી મંજૂરી, ટૂંક સમયમાં થશે રજૂ
ગૃહ મંત્રાલયે દિલ્હી સરકારના બજેટને મંજૂરી આપી દીધી છે અને આમ આદમી પાર્ટી (AAP) સરકારને તેના વિશે જાણ કરવામાં આવી છે. આ નિર્ણય કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે બજેટને લઈને વિવાદ સર્જાયા બાદ આવ્યો છે. દિલ્હીના નાણામંત્રી કૈલાશ ગેહલોતે કહ્યું હતું કે બજેટની ફાઈલ ફરીથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયને તેની મંજૂરી માટે મોકલવામાં આવી છે.
ગૃહ મંત્રાલયે બજેટને મંજૂરી આપી દીધી
જાણવા મળી રહ્યું છે કે ગૃહ મંત્રાલયે બજેટને મંજૂરી આપી દીધી છે અને દિલ્હી સરકારને તેની જાણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, દિલ્હી સરકારનું વર્ષ 2023-24નું બજેટ આજે રજૂ થવાનું હતું, જેને અટકાવી દેવામાં આવ્યું છે અને આ સંદર્ભે અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી સરકાર અને કેન્દ્ર સરકાર એકબીજા પર વિવિધ આરોપ લગાવી રહ્યા હતા.
કેજરીવાલે વડાપ્રધાનને લખ્યો હતો પત્ર
દિલ્હી બજેટના કેટલાક મુદ્દાઓ પર કેન્દ્રીય ગૃહમંત્રાલયે વાંધો ઉઠાવ્યો હતો અને કેન્દ્રિય ગૃહ મંત્રાલયે આ મામલે દિલ્હી સરકાર પાસે સ્પષ્ટતા માંગી હતી. ત્યારે સી એમ અરવિંદ કેજરીવાલે કેન્દ્રના આ પગલાને ગુંડાગીરી ગણાવી હતી. અને કેજરીવાલે આ બાબતે વડાપ્રધાનને પત્ર પણ લખ્યો હતો, જેમાં બજેટને ન અટકાવવા કહ્યું હતુ.
બજેટને ફાઈલને ફરી મોકલવામાં આવી
મુખ્યમંત્રીએ કેન્દ્ર પર આરોપ મૂક્યા પછી, ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે મંત્રાલયે AAP-ની આગેવાનીવાળી સરકાર પાસેથી સમજૂતી માંગી છે કારણ કે તેના બજેટ પ્રસ્તાવમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય વિકાસ પહેલને બદલે જાહેરાતો માટે વધુ પડતા ભંડોળની ફાળવણી કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયની ચિંતાઓને દુર કર્યા પછી ફાઇલ ફરીથી લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાને મોકલવામાં આવી હતી અને તેઓએ તેને મંજૂર કરીને સરકારને પરત મોકલી દીધી હતી.આ પછી સરકારે તેને ગૃહ મંત્રાલયને મોકલી આપી હતી.
આ પણ વાંચો : ઉમેદવારો તૈયારી શરૂ કરી દો,પોલીસ ભરતીને લઈને હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત