દિલ્હી વિધાનસભાની ચૂંટણી જાહેર : 5 ફેબ્રુઆરીએ મતદાન, 8મીએ મતગણતરી
દિલ્હી, 7 જાન્યુઆરી : દિલ્હીની વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આગામી 5 ફેબ્રુઆરીએ ચૂંટણી માટે મતદાન યોજાશે જ્યારે કે તેના બે દિવસ બાદ તારીખ 8 ફેબ્રુઆરીના રોજ તેની મતગણતરી યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે. આ અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે.
મહત્વનું છે કે, વર્ષ 2020માં 6 જાન્યુઆરીએ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. 8 ફેબ્રુઆરીએ મતદાન થયા બાદ 11 ફેબ્રુઆરીએ મતોની ગણતરી કરવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીને બમ્પર જીત મળી હતી. ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ દિલ્હીની કુલ 70 વિધાનસભા બેઠકોમાંથી 62 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપે આઠ બેઠકો જીતી હતી.
દિલ્હી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે કહ્યું કે દિલ્હીમાં 2 લાખ મતદાતાઓ છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. લોકસભાની ચૂંટણી દરમિયાન મતદારોનો રેકોર્ડ બન્યો છે. હવે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પણ આવી જ અપેક્ષા છે. યુવાનોને અપીલ છે કે તેઓ આ રીતે લોકશાહીમાં તેમની ભાગીદારી વધારતા રહે. ભવિષ્યમાં પણ લોકશાહી વધુ મજબૂત બનશે.
દિલ્હીની ચૂંટણીનું ગણિત
- દિલ્હીની તમામ 70 સીટો પર 5 ફેબ્રુઆરીએ મતદાન થશે.
- 8મી ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને પરિણામ જાહેર થશે.
- દિલ્હીમાં કુલ 1 કરોડ 55 લાખ મતદારો છે.
- દિલ્હીમાં 71 લાખ મહિલા મતદારો છે.
- દિલ્હીમાં પુરૂષ મતદારોની સંખ્યા 83 લાખ છે.
- ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 25.89 યુવા મતદારો છે.
- દિલ્હીમાં આવા 2 લાખ મતદારો છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે.
- રાજધાનીમાં 2697 સ્થળો પર કુલ 13,033 મતદાન મથકો હશે.
દિલ્હીમાં ચૂંટણીનું બ્યુગલ વાગ્યું છે
ચૂંટણી પંચે મંગળવારે અહીં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો છે, જેમાંથી 58 સામાન્ય વર્ગ માટે છે જ્યારે 12 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે દિલ્હીમાં કુલ 1.55 કરોડ નોંધાયેલા મતદારો છે અને તેમાંથી 83.49 લાખ પુરુષો અને 71.74 લાખ મહિલાઓ છે. તેમણે કહ્યું કે યુવા મતદારોની સંખ્યા (20 થી 21 વર્ષ) 28.89 લાખ છે જ્યારે પ્રથમ વખત મતદાન કરવા પાત્ર યુવાનોની સંખ્યા 2.08 લાખ છે.
રાજધાનીમાં 2697 સ્થળો પર કુલ 13,033 મતદાન મથકો હશે અને તેમાંથી 210 મોડેલ મતદાન મથકો હશે. તેમણે કહ્યું કે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના સંદર્ભમાં, વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે વ્યાપક ચર્ચા કરવામાં આવી છે, જેમાં સુરક્ષા સંબંધિત પાસાઓનો પણ સમાવેશ થાય છે. રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP), ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. દિલ્હી વિધાનસભામાં બહુમત માટે 36 ધારાસભ્યોની જરૂર છે.