ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી વાયુ પ્રદૂષણઃ સરકારનો મોટો નિર્ણય, આગળના આદેશ સુધી તમામ ઝોનલ સ્કૂલ ગેમ્સ અને ઈવેન્ટ્સ રદ

દિલ્હીમાં પ્રદૂષણ એટલી હદે વધી ગયું છે કે, તેના કારણે લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે, પ્રદૂષણને કારણે દિલ્હીની કેજરીવાલે સરકારે મોટો નિર્ણય લીધો છે. તમામ ઝોનલ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સ અને દિલ્હી સ્ટેટ સ્કૂલ ગેમ્સ અથવા ઇવેન્ટ્સને આગામી આદેશો સુધી તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. દિલ્હી સરકારના શિક્ષણ નિર્દેશાલયે આ અંગે આદેશ જારી કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય GRAPના સ્ટેજ ત્રણના અમલીકરણ પછી CAQM આદેશના પાલન અને પ્રદૂષણને કારણે દિલ્હીના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચવાની સાથે પ્રદૂષણ નિયંત્રણ યોજનાનો ત્રીજો તબક્કો લાગુ કરવામાં આવ્યો છે અને દિલ્હી સરકાર અને અન્ય એજન્સીઓએ વિવિધ પગલાં લીધા છે. તેમાં ‘એન્ટિ-સ્મોગ ગન’ તૈનાત કરવા અને ‘રેડ લાઈટ ઓન, વ્હીકલ ઓફ’ ઝુંબેશ ફરી શરૂ કરવા જેવા પગલાંનો સમાવેશ થાય છે.

દિલ્હી સરકારના અધિકારીના જણાવ્યા અનુસાર, ‘ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન’ (GRAP)નો ત્રીજો તબક્કો રાષ્ટ્રીય રાજધાનીમાં બાંધકામ અથવા તોડી પાડવાની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ સાથે લાગુ કરવામાં આવ્યો છે. કેન્દ્રની પ્રદૂષણ નિયંત્રણ સંસ્થાએ ગુરુવારે GRAP 3 અમલમાં મૂક્યો, જેના હેઠળ દિલ્હી-NCRમાં બિન-જરૂરી બાંધકામ, પથ્થર તોડવા અને ખાણકામ પર પ્રતિબંધ છે.

આ તબક્કા હેઠળ દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગરમાં BS 3 પેટ્રોલ અને BS 4 ડીઝલ વાહનો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિલ્હી પ્રશાસને પ્રદૂષણને પહોંચી વળવા પગલાં ઝડપી બનાવ્યા છે અને આનંદ વિહાર, કાશ્મીરી ગેટ ISBT, ITO, પુસા રોડ, જહાંગીરપુરી, નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયા, બુરારી ક્રોસિંગ જેવા સ્થળોએ ‘એન્ટી-સ્મોગ ગન’ તૈનાત કરી છે.

પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ કહ્યું કે, રાજધાનીમાં પ્રદૂષણના સ્તરને જોતા પાણીના છંટકાવની પ્રક્રિયા ચાલી રહી છે. રસ્તાઓ પરની ધૂળને એન્ટી સ્મોગ ગન વડે સતત દેખરેખ રાખવામાં આવે છે અને જ્યાં બાંધકામનું કામ ચાલી રહ્યું હોય ત્યાં પણ અમે તેનો ઉપયોગ કરીએ છીએ.”

દિલ્હી સરકારે 28 ઓક્ટોબરના રોજ વાહનચાલકોને વધતા પ્રદૂષણથી વાકેફ કરવા અને ટ્રાફિક લાઇટ લીલી થવાની રાહ જોતી વખતે તેમના વાહનોના એન્જિન બંધ કરવા પ્રોત્સાહિત કરવા માટે ‘રેડ લાઇટ ઓન, ગાડી બંધ’ અભિયાન શરૂ કર્યું હતું. ગુરુવારે સવારે શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 351 નોંધાયો હતો, જે શુક્રવારે સવારે 450 પર પહોંચ્યો હતો.

Back to top button