અમદાવાદ, 19 જાન્યુઆરી 2024, ગુજરાત યુનિવર્સિટીના 72 મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના 51662 વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અધ્યક્ષપદે આયોજિત આ દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
જીવનના દરેક પડકારોનો સામનો કરીને આગળ વધવું જોઈએ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને મહાનુભાવોએ ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં નવનિર્મિત અટલ-કલામ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું હતું કે, યુવાનોએ ગભરાવું ન જોઈએ. મનમાં કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર જીવનના દરેક પડકારોનો સામનો કરીને આગળ વધવું જોઈએ.જ્યારે એક ગુજરાતી દિલ્હી જાય છે ત્યારે તેની અસર ગુજરાત પર તો પડે છે સાથે સાથે દેશ અને દુનિયા પર પણ પડે છે.આ સેન્ટરનું નામ ભારતના બંને મહાન પુત્રો અટલ બિહારી વાજપેયી અને એપીજે અબ્દુલ કલામના નામ પર છે એ આપણાં સૌ માટે એક ગૌરવની વાત છે.
શૈક્ષણિક ક્ષેત્રે અનેક વિરલ પ્રતિભાઓ આ યુનિવર્સિટીએ આપી છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે સ્થાપેલી આ યુનિવર્સિટી આજે વિશાળ વટ વૃક્ષ બની છે.સ્પેસ પ્રોગ્રામના જનક ડૉ. વિક્રમ સારાભાઈથી લઈને રાજકીય, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક ક્ષેત્રે અનેક વિરલ પ્રતિભાઓ આ યુનિવર્સિટીએ આપી છે. મુખ્યમંત્રીએ પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓ પણ આ ઉજ્જવળ પરંપરા આગળ ધપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હાયર એજ્યુકેશન સેક્ટરમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 2047 સુધીમાં 65 ટકાથી વધુ લઈ જવાના નિર્ધાર સાથે રાજ્યની હાયર એજ્યુકેશન અને સ્કીલિંગ ઇકો સિસ્ટમને આ માટે સજ્જ કરવાની નેમ મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
કુલ 9 વિદ્યાશાખાના 51622 વિદ્યાર્થીઓને પદવી એનાયત
ગુજરાત યુનિવર્સિટીના 72મા વાર્ષિક પદવીદાન સમારંભમાં કુલ 9 વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં વિનયન વિદ્યાશાખામાં કુલ 10294 વિદ્યાર્થીઓને, વિજ્ઞાન વિદ્યાશાખામાં 5718 વિદ્યાર્થીઓને, ઇજનેરી વિદ્યાશાખામાં 07 વિદ્યાર્થીઓને, કાયદા વિદ્યાશાખામાં 2641,તબીબી વિદ્યાશાખામાં 1722 વિદ્યાર્થીઓને, વાણિજ્ય વિદ્યાશાખામાં 27835 વિદ્યાર્થીઓને, દંતવિજ્ઞાન વિદ્યાશાખામાં 281 વિદ્યાર્થીઓને, શિક્ષણ વિદ્યાશાખામાં 3123 વિદ્યાર્થીઓને અને ફાર્મસી વિદ્યાશાખામાં 01 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. આમ કુલ 9 વિદ્યાશાખાના 51622 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.