આજથી સામાન્ય જનતા માટે ઓપન થયો ડિફેન્સ એકસ્પો, જાણી લો સમય અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા


રાજ્યમાં ચાલી રહેલા એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સ્પો હવે સામાન્ય જનતા માટે ઓપન થઈ રહ્યો છે. ગાંધીનગર ખાતે યોજાઇ રહેલો ડિફેન્સ એક્સ્પો 20 ઓક્ટોબર સુધી માત્ર આમંત્રિતો માટે જ ખુલ્લો હતો. પરંતુ હવેના બે દિવસ સાબરમતી રિવર ફ્રન્ટ અને ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સામાન્ય નાગરિકો તેની મુલાકાત લઈ શકશે.
અમદાવાદ અને ગાંધીનગર ખાતે 21 અને 22 ઓક્ટોબર દરમિયાન કોઈ પણ નાગરિક શસ્ત્ર સરંજામ પ્રદર્શન તથા વિવિધ પેવેલિયનની મુલાકાત લઈ શકશે.આ બન્ને સ્થળોએ એન્ટ્રી ફ્રી છે. પરંતુ રજીસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત છે. એક જ વખતમાં એકથી વધારે વ્યક્તિ માટે રજીસ્ટ્રેશન કરાવી શકાશે. એક દિવસનું રજીસ્ટ્રેશન એ દિવસે જ માન્ય રહેશે, પરંતુ એ એકથી વધારે વખત આવન-જાવન કરી શકાશે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બે દિવસ સાંજે પાંચ વાગ્યે સૈન્યની ત્રણેય પાંખો દ્વારા વિવિધ કરતબ બતાવવામાં આવશે.પહેલી વાર ખુલ્લુ મુકાયેલું ગુજરાત પેવેલિયન, ઈન્ડિયા પેવેલિયન, લાઈટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર, ટી-૯૦ ટેન્ક, ગમે ત્યાં બ્રિજ બનાવી શકતુ વાહન, રફાલ વિમાનના મોડેલ્સ, ફાઈવ-જી ટેકનોલોજી, સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના આધુનિક હથિયારો, બ્રહ્મોસ મિસાઈલ આકર્ષણના મુખ્ય કેન્દ્રો રહેશે.
આ પણ વાંચો : સૌથી વધુ હથિયાર આયાત કરતું ભારત હવે નિકાસના રસ્તે, કયા દેશોમાં છે Made in India ની ડિમાન્ડ ?
સામાન્ય રીતે નાગરિકોને ક્યારેય જોવા ન મળતા હોય એવા હથિયારો, સંરક્ષણ સામગ્રી અને ટેકનોલોજી આ પ્રદર્શનમાં જોવા મળશે. ગાંધીનગરના પ્રદર્શનનો સમય સવારના 10 થી સાંજના 5 સુધીનો છે. ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતેનું પ્રદર્શન ખુબ જ મોટુ અને ઘણો સમય માંગી લેનારું છે. જેમને જવુ હોય એમણે બે-ત્રણ કલાકનો સમય ફાળવવો જોઈએ.
ડિફેન્સ એક્સ્પો જોવા માટે ઈ-ટિકિટ ફરજિયાત
સુરક્ષા દળના જવાનો દ્વારા આયોજિત ડિફેન્સ એક્સ્પોને જોવા માટે ઈ-ટિકિટ લેવી ફરજિયાત રહેશે. તેના માટે www.eventreg.in/registration/visitor વેબસાઈટ પર જઈ ઈ-ટિકિટ મેળવી શકાશે. આ ટિકિટ વિનામૂલ્યે મળશે. પરંતુ પ્રદર્શન સ્થળના પ્રવેશ દ્વારા પર ક્યૂઆર કોડ અથવા બારકોડ સ્કેન કરાવવાનો રહેશે. ઈ-ટિકિટમાં ઉલ્લેખ કરાયેલી તારીખ અને સમય પર જ પ્રવેશ મળશે. આધારકાર્ડ, લાઈસન્સ કે પાનકાર્ડ પ્રવેશ દ્વાર પર બતાવવું પડશે.