

ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ 2023માં સતત 5મી જીત નોંધાવીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. રવિવારે (22 ઓક્ટોબર) રમાયેલી મેચમાં ભારતીય ટીમે ધર્મશાલા સ્ટેડિયમના સૌથી મોટા લક્ષ્યનો પીછો કરીને ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું અને ઈતિહાસ રચ્યો છે. 274 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી છે. આ પહેલા 227 રનના સૌથી મોટા લક્ષ્યનો પીછો ધર્મશાલામાં કરવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2013માં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે આ લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ સામે 47.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.

વિરાટ કોહલીએ 104 બોલમાં 95 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેમના સિવાય રોહિત શર્માએ 46, રવિન્દ્ર જાડેજાએ 39 અને કેએલ રાહુલે 33 રન બનાવ્યા હતા. કિવી ટીમ તરફથી લોકી ફર્ગ્યુસને 2 વિકેટ લીધી હતી. આ મેચમાં જીત મેળવતાની સાથે જ ભારતે પોઇન્ટ ટેબલ ઉપર ટોચનું સ્થાન મેળવ્યું છે. જ્યારે કે ન્યુઝીલેન્ડનો વિજય રથ રોક્યો છે. તે હવે પોઇન્ટ ટેબલ ઉપર બીજા સ્થાને આવી ગયું છે.
આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 273 રન બનાવ્યા હતા. ડેરેલ મિશેલે 127 બોલમાં 130 રનની સદીની ઇનિંગ રમી હતી. જ્યારે રચિન રવિન્દ્રએ 87 બોલમાં 75 રન બનાવ્યા હતા. ગ્લેન ફિલિપ્સે 23 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન 20ના આંકડાને સ્પર્શી શક્યો નથી. ભારતીય ટીમ તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવને 2 વિકેટ મળી હતી. બુમરાહ અને સિરાજે 1-1 વિકેટ લીધી હતી.