સંઘને બદનામ કરવાનો કેસઃ નેહા સિંહ રાઠોડને હાઈકોર્ટની લપડાક

- મધ્યપ્રદેશ હાઈકોર્ટે FIR રદ કરવાનો ઈનકાર કર્યો
- કોર્ટે કહ્યું, જે મામલામાં સંઘને કોઈ લેવાદેવા નહોતી તેમાં RSSને સંડોવવાનું પગલું અયોગ્ય
ભોપાલ, 8 જૂનઃ ભોજપુરી ગાયિકા નેહા સિંહ રાઠોડને મધ્યપ્રદેશ હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. “યુપી બિહાર મેં કા બા” ગીત દ્વારા લોકપ્રિય થયેલા નેહા સિંહ રાઠોડ વિરુદ્ધનો ફોજદારી કેસ રદ કરવાનો હાઈકોર્ટે ઈનકાર કરી દીધો છે. આ કેસ એક એવા વાયરલ વીડિયોના સંદર્ભમાં હતો જેમાં એક વ્યક્તિ કોઈ શ્રમિક ઉપર પેશાબ કરતો હતો. નેહા સિંહ રાઠોડે એ ઘટનામાં આરએસએસની સંડોવણીનું કાર્ટૂન બનાવ્યું હતું અને એ રીતે સંઘને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. અદાલતે કહ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા એ મૌલિક અધિકાર છે ખરો, પરંતુ એ અધિકારના અમાર્યાદ ઉપયોગ ઉપર પ્રતિબંધ છે જ.
ન્યાયમૂર્તિ ગુરપાલસિંહ અહલુવાલિયાએ સુનાવણી દરમિયાન પ્રશ્ન કર્યો હતો કે, શ્રમિક ઉપર પેશાબ કરનાર વ્યક્તિએ એવો કોઈ પોષાક પહેર્યો નહોતો છતાં નેહા સિંહ રાઠોડે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરેલા કાર્ટુનમાં આરએસએસની ખાખી ચડ્ડીનો ઉલ્લેખ કરીને એક વિશિષ્ટ વિચારધારાને જોડવાનો પ્રયાસ શા માટે કર્યો હતો?
હાઈકોર્ટે જણાવ્યું કે, અરજદાર નેહા સિંહે તેના ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ ઉપર જે કાર્ટુન અપલોડ કર્યું હતું તે વાસ્તવિક ઘટના સાથે બંધબેસતું નહોતું. નેહા સિંહે પોતાની મુનસફી મુજબ અમુક બાબતો જોડી દીધી હતી, અને તેથી આ અદાલત એ મુદ્દા ઉપર વિચાર ન કરી શકે કે અરજદારે અભિવ્યક્તિ સ્વતંત્રતાનો મૌલિક ઉપયોગ કરીને એ કાર્ટુન અપલોડ કર્યું હતું.
ન્યાયમૂર્તિએ સ્પષ્ટ કહ્યું કે, કલાકારને વ્યંગના માધ્યમથી કોઈની ટીકા કરવાનો અધિકાર છે ખરો, પરંતુ કાર્ટુનમાં કોઈ વિશેષ પોષાકને જોડી દેવામાં આવે, જેને ઘટના સાથે કોઈ લેવાદેવા જ નથી, તેને સ્વતંત્રતાનો મૌલિક અધિકાર ન ગણાવી શકાય. આવા કહેવાતા મૌલિક અધિકાર ઉપર યોગ્ય નિયંત્રણો જરૂરી છે. અદાલતે વધુમાં કહ્યું કે, અરજદાર નેહા સિંહ રાઠોડનો પ્રયાસ કોઈ એક ચોક્કસ વિચારધારાને બદનામ કરવાનો હતો અને તેથી એ કથિત મૌલિક અધિકાર બંધારણની કલમ 19(1) હેઠળ આવતો નથી. આ કેસમાં વ્યંગાત્મક અભિવ્યક્તિ પણ બંધારણની કલમ 19(2) હેઠળ પ્રતિબંધિત કરી શકાય છે.
નેહા સિંહ રાઠોડ ઉપર ગયા વર્ષે ફોજદારી કાયદાની કલમ 153-એ (જાતિ, ધર્મ, જન્મસ્થળ, રહેઠાણના આધારે વિવિધ સમુદાય વચ્ચે દુશ્મની ફેલાવવાનો પ્રયાસ કરવો) હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી જેમાં તેણે એક વ્યક્તિને નીચે બેઠેલા બીજા વ્યક્તિ ઉપર પેશાબ કરતો બતાવ્યો હતો. એ કાર્ટુનમાં તેણે પેશાબ કરનાર વ્યક્તિને ખાખી ચડ્ડીમાં બતાવ્યો હતો.