ઉત્તર ગુજરાત

બનાસકાંઠામાં બારે મેઘ ખાંગા, ડીસા- થરાદ હાઇવે પાણીમાં ગરકાવ થતા બંધ કરાયો

Text To Speech

પાલનપુર: હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની કરેલી આગાહીના પગલે છેલ્લા બે દિવસથી બનાસકાંઠામાં બારે મેઘ ખાંગા જેમ વરસાદ ખાબકી રહ્યો છે. આજે તા. 17 ઓગસ્ટને બુધવારે પણ સતત વરસાદ ચાલુ રહેતા ડીસા- થરાદ હાઇવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેથી દામા- રામપુરા ગામ પાસે હાઇવે બંધ કરવામાં આવ્યો છે. લોકો રોડ ઉપર આવી ગયા છે. અને અહીંયા થી જોખમ લઈ પસાર થતા વાહન ચાલકોને ચેતવી રહ્યા છે. રોડની બંને સાઈડ ઘુંટણ સમા પાણી ભરાતા ડીસા- થરાદ રોડ પરના વાહન વ્યવહારને પણ અસર થઈ છે. અહીંના ગોઢા ગામના પાટીયા પાસે વરસાદનું પુષ્કળ પાણી ભરાઈ ગયું છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના ખેતરો પાણીથી તરબોળ બની જતા બેટ જેવા ભાસી રહ્યા છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે.

બીજી તરફ રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઇકબાલગઢ અને વિશ્વેશ્વર મહાદેવ પાસેથી પસાર થતી બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે. જેને લઈને વિશ્વેશ્વર મહાદેવ પાસે નદીના પટમાં પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને લોકોને નદીના પટમાં ન જવા તાકિદ કરવામાં આવી છે. જ્યારે પાલનપુર નજીક આવેલી બાલારામ નદીમાં પણ પાણી આવતા આ નદી બંને કાંઠે વહેતી થઈ છે. લોકોને નદીમાં નાહવા ન જવા માટે અપીલ કરવામાં આવી છે. વહેલી સવારથી જ ડીસા, પાલનપુર, ભીલડી, થરાદ, ધાનેરા અની દાંતીવાડા સહિતના પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પાલનપુર -આબુરોડ હાઇવે પર પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર પહોંચી છે. જેને લઈને વાહનચાલકો હલાકીમાં મુકાયા છે.

દાંતીવાડા ડેમમાં એક લાખ ક્યુસેક પાણીની આવક

રાજસ્થાનના ઉપરવાસના ભાગે ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં હાલમાં એક લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. જેને લઈને ડેમની પાણીની સપાટી 574.90 ફૂટે પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે હાલમાં ડેમમાં 35.31% પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. જો આ જ રીતે સતત ઉપરવાસમાં વરસાદ ચાલુ રહે તો આગામી દિવસોમાં દાંતીવાડા ડેમ છલકાઈ જવાની પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે.

Back to top button