પાંથાવાડા તલાટીના સમર્થનમાં આવ્યું ડીસા તલાટી મંડળ
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી તલાટી કમ મંત્રીઓ હડતાલમાં જોડાયા છે. જેને લઈને ગ્રામ પંચાયત કચેરીઓમાં સરકારી કામકાજ ઠપ્પ થઈ જવા પામ્યું છે. ત્યારે શૈક્ષણિક દાખલા સિવાયની તમામ કામગીરી તલાટી કમ મંત્રીઓ દ્વારા બંઘ કરી દેવાતાં અરજદારો પણ મુશ્કેલીમાં મુકાયાં છે.
દાંતીવાડા ટીડીઓની બદલી કરો
દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન ઓઝાની તાત્કાલિક અસરથી માંગને લઈને તલાટી કમ મંત્રી એસોસિયેશન હડતાલમાં જોડાયા છે. જેમાં ગુરુવારે ડીસા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ડીસા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન ઓઝા દ્વારા દાંતીવાડા તલાટી કમ મંત્રીઓને ખોટી રીતે હેરાનપરેશાન કરીને પોતાની આર્થિક માંગણીઓ ન સંતોષાતા બે તલાટી કમ મંત્રીના ઈજાફા અટકાવીને તલાટી કમ મંત્રીઓને બાનમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેને લઈને તલાટી કમ મંત્રી એસોસિયેશન દ્વારા હડતાલમાં જોડાવાની ફરજ પડી છે. દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીન જિલ્લા બહાર બદલી કરવામાંની માંગ કરવામાં આવી હતી. જો તારીખ 3/7/2022 સુધીમાં દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવામાં નહી આવે તો તારીખ 4/7/2022 ના રોજ બનાસકાંઠા જિલ્લાના તમામ તલાટી કમ મંત્રીઓ એકત્રિત થઈ પાલનપુર ગલબાકાકા ચોકથી રેલી કાઢી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ધરણાં પર બેસી ઉગ્ર આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.