ડીસામાં રૂપાલાનો વિરોધઃ રામસણ ગામમાં પહોંચેલા ભાજપના નેતાઓને ક્ષત્રિયોએ પાછા વાળ્યા
ડીસા, 09 એપ્રિલ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે. એક તરફ ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ છે અને બીજી બાજુ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા 16 તારીખે ફોર્મ ભરવાના છે. સમગ્ર રાજ્યમાં રૂપાલા સામે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે બનાસકાંઠામાં પણ ભાજપના આગેવાનોને ક્ષત્રિય સમાજના લોકોએ પ્રચાર કરવા દીધો નહોતો. ડીસાના રામસણ ગામ ખાતે પહોંચેલા ભાજપના આગેવાનોને ક્ષત્રિય સમાજે પ્રવેશવા દીધા નહોતા અને વાહનો સહિત પાછા વાળ્યા હતાં.
ક્ષત્રિય સમાજનો રોષ જોઈ આગેવાનોને પરત ફરવું પડ્યું
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના વિવાદમાં આજે ડીસાના રામસણ ગામમાં સભા કરવા પહોંચેલા ભાજપના નેતાઓનો ગ્રામજનોએ વિરોધ કરી પરત મોકલ્યા હતા.આજે ડીસા તાલુકાના રામસણ ગામે ભાજપની સભામાં જઈ રહેલા પ્રચારમાં જઈ રહેલા ડીસા વિધાનસભાના પ્રભારી રાજાભાઈ ચૌધરી અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય સહિતના આગેવાનો ગાડી લઈને ગામમાં પહોંચતા જ ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. જ્યારે ભાજપના આગેવાનો ગાડી લઈને ગામમાં પહોંચ્યા ત્યારે ટોળું એકત્ર થઈ ગાડી પાછી વાળો, રૂપાલાના ઘરે જઈને કરજો મિટિંગ તેમ કહી પરત મોકલી દીધા હતા. ક્ષત્રિય સમાજનો રોષ જોઈ આગેવાનોને પણ પરત ફરવું પડ્યું હતું.
ઝાબડીયા ગામેથી પણ વિરોધ શરૂ થયો હતો
બે દિવસ પહેલાં ડીસા તાલુકાના ઝાબડીયા ગામે ક્ષત્રિય સમાજના લોકોએ પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરાય તો સરકાર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ઝાબડીયા ગામમાં મહાકાળી માતાજીના મંદિરે ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા થયા હતા અને ક્ષત્રિય સમાજની બહેન-દિકરીઓ વિશે પરસોત્તમ રૂપાલાએ કરેલ ખરાબ ટિપ્પણીને લઈને વિરોધ દર્શાવ્યો હતો.આ બેઠકમાં ઝાબડીયા ગામના પૂર્વ સંરપચ ઝબ્બરસીંગ ઠાકોર, પૂર્વ સંરપચ થાનાજી, તેમજ ક્ષત્રિય આગેવાનોમાં સોલંકી રમેશસિહ, સોલંકી રામસિંહ, પંચાયત સદસ્ય બચુજી ,ઠાકોર વાઘજી, ઠાકોર બાસ્કુજી, ઠાકોર મથુરજી સહિત તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
આ પણ વાંચોઃકોંગ્રેસના ડી.ડી. રાજપૂત ભાજપમાં જોડાયા, કહ્યું મોદીના વિકાસકાર્યોથી પ્રભાવિત થયો