

કોંગ્રેસના નેતાને મળવા બદલ ચૂંટણી પંચ દ્વારા પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) અંજની કુમારને સસ્પેન્ડ કર્યાના કલાકો પછી તેલંગાણા રાજ્ય સરકારે રવિ ગુપ્તાને રાજ્યના પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવાના આદેશો જારી કર્યા છે. જેમાં 1990 બેચના IPS અધિકારી ગુપ્તાએ ડિસેમ્બર 2022 માં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) ના ડાયરેક્ટર-જનરલ તરીકે ચાર્જ સંભાળ્યો હતો અને ડિરેક્ટર જનરલ (વિજિલન્સ અને એન્ફોર્સમેન્ટ) નો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રવિ ગુપ્તાની નિમણૂક કરવાના આદેશ ભારતના ચૂંટણી પંચ (ECI) એ તેલંગાણાના મુખ્ય સચિવને DGP અંજની કુમાર સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવાના નિર્દેશ આપ્યાના કલાકો પછી આવ્યા હતા. અંજની કુમારને રવિવારે બપોરે મતગણતરી દરમિયાન તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (TPCC) પ્રમુખ એ. રેવન્ત રેડ્ડીને તેમના નિવાસસ્થાને મળવાના આધારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.