દીપાવલીના તહેવારોનો પ્રારંભ : મંદિર અને ખાનગી મિલકતો રોશનીથી ઝળહળી
પાલનપુર : ધનતેરસના દિવસથી દીપાવલી ના તહેવારોનો મંગલ પ્રારંભ થઈ જાય છે. ધનતેરસના દિવસે લોકો શુભ સમયમાં ધનની પૂજા કરે છે. ધન તેરસથી લાભ પાંચમ સુધી દીપાવલી ઉત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળે છે. લોકો બજારમાં નવા કપડાં, મીઠાઈ અને ફટાકડાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. જેને લઇને સ્થાનિક બજારોમાં ભીડ જોવા મળી રહી છે.
જ્યારે પ્રકાશના આ પર્વને લઈને શહેરોના મોટાભાગના મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. તેમજ ખાનગી મિલકતો અને મકાનોને પણ રોશનીથી ઝગમગાવવામાં આવી છે. ધનતેરસના દિવસે નવા વાહનોની પણ લોકો ખરીદી કરી રહ્યા છે. જ્યારે ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળે છે.
બજારમાં કંદોઈઓએ મીઠાઈઓનો પણ સ્ટોક કરી રાખ્યો છે. કેટલીક સંસ્થાઓએ ભેળસેળથી બચવા કેટલીક સંસ્થાઓએ પોતે જ મીઠાઈ બનાવવાનો નિર્ણય લીધો છે અને ગ્રુપમાં તેઓ ઓર્ડર લઈને જાતે જ મીઠાવી વિતરણ કરી રહ્યા છે.
ધનતેરસનું શું મહત્વ છે
દિપાવલી ના દિવસોમાં પ્રારંભે ધન તેરસને દિવસે ઘર, દુકાન કે ઓફીસ વિગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળીથી શણગારવામાં આવે છે. આસો માસની વદ તેરસ એટલેકે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે.
આ દિવસે નવું ધન, વિષેશમાં સોનું-ચાંદી ખરીદવું લોકો શુકનવંતુ માને છે. લોકો આ દિવસે વેપારી પેઢીમાં તેમજ ગૃહસ્થો ધનની પૂજા કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ ઘણું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.
આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા માની ભગવાન ધન્વંતરિનું વિશેષ પૂજન- અર્ચનકરવામાં આવે છે.
આ પણ વાંચો : કોંગ્રેસે કેન્દ્ર સરકારના રોજગાર મેળાને ‘જુમલા કિંગ’ કાર્યક્રમ ગણાવ્યો, કર્યા આકરા પ્રહાર