સુરતની 22 વર્ષની દીપાલીએ બાળપણનું સપનું સાકાર કર્યું, USAમાં પ્રોફેશનલ પાયલોટ બની
સુરત,30 જાન્યુઆરી 2024, શહેરની 22 વર્ષની યુવતી દીપાલી દાળિયા અમેરિકાના કેલિફોર્નિયામાં પ્રોફેશનલ પાયલોટ બની છે. તેણીએ કેલિફોર્નિયામાં શિફ્ટ થઇ પ્રોફેશનલ પાઇલટ બનવાનું લાઈસન્સ મેળવ્યું છે. 2017માં પહેલી વાર વિમાનમાં બેસતી વખતે પ્લેન કેવી રીતે ઉડે છે તે વિચાર્યું અને પાયલોટ બનવાનો વિચાર આવ્યો હતો. પ્રોફેશનલ પાઇલટ બન્યા પછી પહેલી વખત વતન સુરત આવેલી દિપાલીનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.રાણા સમાજની પહેલી પાઈલટ હોઇ સમાજના આગેવાનો દ્વારા દિપાલીનું સન્માન કરી હજુ વધુ ઊંચી ઉડાન ભરે તેવી શુભેચ્છા પાઠવાઈ હતી.
2017માં પાયલટ બનવાનું સપનું જોયું હતું
દિપાલીએ ધો.10 સુધીનો અભ્યાસ સુરતના અઠવાગેટની વનિતાવિશ્રામ સ્કૂલમાં કર્યો છે. ત્યારબાદ વર્ષ 2017માં માતા-પિતા અને ભાઇ સાથે તે અમેરિકામાં શિફ્ટ થઇ હતી. માતા-પિતા અને ભાઇ ન્યૂ જર્સીમાં રહેતા હતાં તો દિપાલી પાઈલટ બનવાનાં અરમાનો સાથે કેલિફોર્નિયામાં એકલી સ્થાયી થઇ હતી. દિપાલી દાળિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, હું પહેલીવાર 2017માં ફ્લાઈટમાં બેસી ત્યારે સપનું જોયું હતું કે હું પણ એક વખત ફલાઇટ ઉડાડીશ. માતા-પિતાના સપોર્ટથી આજે મારું સપનું સાકાર થયું છે.
દીકરીએ પહેલીવાર પ્લેન ઉડાવ્યું તો માતાપિતા ગભરાઈ ગયા
તેણીએ વધુમાં કહ્યું હતું કે, પ્રોફેશનલ પાઇલટ બન્યા પછી પહેલી વખત મમ્મી-પપ્પા અને ભાઇને ફલાઇટમાં મુસાફરી કરાવવાની ક્ષણ મારી જિંદગીની અત્યાર સુધીની સૌથી યાદગાર ક્ષણ બનશે. તેના પિતા સંજય દાળિયાએ કહ્યું હતું કે, દીકરીએ મેળવેલી આ સિદ્ધિથી અમે ગર્વ અનુભવીએ છીએ. પાઇલટ દિપાલી સાથે અમે પહેલીવાર કેલિફોર્નિયાથી લાસવેગાસ પ્લેનમાં જવા નીકળ્યાં હતાં ત્યારે તેને પ્લેન સ્ટાર્ટ કર્યુ તો અમે ગભરાઇ ગયા હતા. જોકે, પછી દીકરીને ફલાઇટ ઉડાડતાં જોઇને અમારી આંખ ખુશીથી છલકાઇ ઊઠી હતી.
આ પણ વાંચોઃ75મા પ્રજાસત્તાક પર્વની પરેડમાં ‘‘ધોરડો વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’’ ટેબ્લોને બે એવોર્ડ મળ્યા