કેતકી વ્યાસના મળતિયાનો ઓડિયો થયો વાયરલ; કરોડોની મિલકતના ચોંકાવનારા ખુલાસા/હત્યાની આડકતરી ધમકી
આણંદ કલેક્ટર ઓફિસમાં મહિલાને મોકલીને કલેક્ટર ડી.એસ ગઢવીને કાવતરામાં ફસાવનાર કેતકી વ્યાસને લઈને એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. આ વચ્ચે કટકીખોર કેતકી વ્યાસ અંગે ગઈ કાલે વધુ એક મોટો ખુલાસો થયો હતો. કેતકી વ્યાસે લાંચની રકમથી 300 વિઘા કરતાં વધુ જમીનો ખરીદી હોવાનો સરપંચ સંગઠનના પ્રમુખ દીપક પરમારે દાવો કર્યો હતો,આ સાથે તેઓએ પોલીસને તમામ પુરાવા આપવાનું પણ કહ્યું હતું, ત્યારે કેતકી વ્યાસ સામે અવાજ ઉઠાવનાર દિપક પરમારને ફોન પર ધમકી મળી હોવાનું સામે આવ્યું છે.
કેતકી વ્યાસ સામે અવાજ ઉઠાવનાર દિપક પરમારને મળી ધમકી
કટકીખોર કેતકી વ્યાસ સામે અવાજ ઉઠાવનાર દિપક પરમારને ધમકી મળી હોવાની વિગતો સામે આવી છે. અલ્પેશ રાજપાલ નામના વ્યક્તિએ દિપક પરમારને ફોન કરીને ધમકી આપી છે. અલ્પેશ રાજપાલ અને દિપક પરમાર વચ્ચે થયેલી ફોન પર વાતચીની ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ મચ્યો છે.
કેતકી વ્યાસના મળતિયાએ આપી ધમકી
કેતકી વ્યાસના કોઈ મળતિયાનો ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયોમાં કેતકી વ્યાસ કેટલું નામ છે, તે કોઈ અન્ય વ્યક્તિને સમજાવી રહ્યો છે. તેમાં કેતકી વ્યાસ સામે બાંયો ચડાવનાર વ્યક્તિને કહેવામાં આવે છે કે તમે બધુ વાઇન્ડઅપ કરી લો, કેતકી વ્યાસ ખુબ જ મોટું નામ છે. ભરાઈ જશો તો કોઈ બહાર કાઢશે નહીં.
કેતકી વ્યાસને લઈને દીપક પરમારે કર્યો હતો દાવો
સરપંચ સંગઠનના પ્રમુખ દીપક પરમારે એવો દાવો કર્યો છે કે, ‘કેતકી વ્યાસ પાસે 300 વિઘા કરતા વધુ જમીન છે, કેતકી વ્યાસે અકલાચા ખાતે 3000 વાર કરતા વધુ જમીન ખરીદી હતી. જે જમીન ઉપર હાલમાં પેટ્રોલ પંપ કાર્યરત છે. અને આ પેટ્રોલપંપ પણ કેતકી વ્યાસના નામે જ હોવાનું જાણવા મળ્યું છે. કેતકી વ્યાસે પોતે ખેડૂત ન હોવા છતાં ખેતીની જમીન પોતાના નામે કરી લીધી હતી.આ સાથે અકલાચા જમીન ખરીદી વાળી જમીનની ફાઇલ પણ હાલ ગાયબ થઇ ગઇ છે. આ સિવાય કેતકી વ્યાસે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કોટાવડ ગામમાં ખેડૂત હોવાનો અકલાચામાં દાખલો આપી જમીન ખરીદી હતી. આ સાથે આ દાવા અંગે દિપક પરમારે જણાવ્યું કે, “હું એટીએસ અને રેવન્યુ વિભાગને વધારે પુરાવા આપીશ”.
કેતકી વ્યાસના અનેક કાંડ
કેતકી વ્યાસ પહેલેથી જ અઠંગ ખેલાડી છે, તેના અનેક મોટા માથા સુધી છેડા લંબાયેલા છે. તે અગાઉ પણ અનેક કાંડ કરી ચૂકી છે.તેની સામે અગાફ પણ જમીન પ્રકરણમાં જ કાર્યવાહી કરવામાં આવી હતી. પહેલા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આગોલ ગામની જમીન પ્રકરણમાં કેતકી વ્યાસ સામે ઈન્કવાયરી થઈ હતી.
કોર્ટે આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી
આણંદ કલેકટર કચેરીના કલેકટરના વિવાદાસ્પદ વીડિયો મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. કલેક્ટર ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવવા મામલે પોલીસે ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ અને હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી લેવામા આવી છે. અને ગઈ કાલે ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ પૂરા થતા જ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે વધારાના રિમાન્ડની માંગણી ન કરતા ત્રણેય આરોપીના વકીલે જામીન અરજી રજૂ કરી હતી, અને ત્રણેયને જામીન પર મુક્ત કરવાની અપીલ કરી હતી. પરંતુ કોર્ટે ત્રણેયની જામીન અરજી ફગાવીને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આવાનો હુકમ કર્યો હતો.
નોંધ : આ વાયરલ ઓડિયો અંગે humdekhengenews કોઈ પુષ્ટી કરતું નથી
આ પણ વાંચો : ગુજરાતમાં પંચાયત રાજમાં પ્રમુખોને જલસા પડી જશે, હવે ફરવા માટે સરકાર આપશે વધારાનું ભાડું