કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાનનું વલણ યથાવત
ઈસ્લામાબાદ: પાકિસ્તાને મૃત્યુદંડના કેદી કુલભૂષણ જાધવના કેસમાં કહ્યું કે સૈન્ય અધિકારીઓને નાગરિકો પર કાર્યવાહી કરવાથી રોકવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય લાગુ કરી શકાય નહીં. 23મી ઑક્ટોબરે આપેલા ઐતિહાસિક ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે 9 મેની હિંસા બાદ ધરપકડ કરાયેલા નાગરિકોની સૈન્ય સુનાવણીને ગેરકાયદેસર જાહેર કરી હતી.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શું કહ્યું?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝેહરા બલોચને સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે 53 વર્ષીય જાધવના કેસ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની શું અસર થશે. આના પર તેમણે કહ્યું, મારે આ વિશે અમારી કાનૂની ટીમ સાથે વાત કરવી પડશે, પરંતુ મને લાગે છે કે આ એક અલગ મામલો છે કારણ કે તે એક એવા વ્યક્તિ સાથે સંબંધિત છે જે ભારતીય નૌકાદળના સર્વિંગ ઓફિસર હતા.
‘જાધવની સજા પાકિસ્તાની કાયદા અનુસાર છે’
બલોચે કહ્યું, પાકિસ્તાનમાં વિદેશી એજન્ટો દ્વારા જાસૂસીને લગતા કાયદા છે અને અમને વિશ્વાસ છે કે કમાન્ડર કુલભૂષણને આપવામાં આવેલી સજા પાકિસ્તાનના કાયદા અનુસાર છે. મહત્ત્વનું છે કે, પાકિસ્તાનની સૈન્ય અદાલતે જાધવને એપ્રિલ 2017માં જાસૂસી અને આતંકવાદના આરોપમાં મૃત્યુદંડની સજા સંભળાવી હતી. ભારતે જાધવને રાજદ્વારી પહોંચ પ્રદાન કરવા માટે ઈનકાર કરવા અને ફાંસીની સજાને પડકારવા બદલ પાકિસ્તાન વિરુદ્ધ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)નો સંપર્ક કર્યો હતો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, હેગ સ્થિત ICJએ જુલાઈ 2019માં પાકિસ્તાનને આ મામલામાં જાધવને ભારત દ્વારા રાજદ્વારી પહોંચ પ્રદાન કરવા અને સજાની સમીક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું હતું.
આ પણ વાંચો: પાકિસ્તાનઃ મુશર્રફના મૃત્યુના નવ મહિના બાદ મૃત્યુદંડની સજા અંગે સુનાવણી થશે!