સુરતઃ વિવિધ પ્રશ્નોને લઈને માલધારી સમાજ લડી લેવાના મૂડમાં, આવતીકાલે ડેરીમાં દૂધ નહીં આપવા તેમજ વેચાણ ન કરવાનો નિર્ણય


છેલ્લા થોડા સમયથી માલધારી સમાજ વિવિધ મુદ્દાને લઈને સરકારની સામે બાંયો ચડાવી છે. ગઈકાલે સુરતના અમરોલી, છાપરાભાટા અને વેડરોડ વિસ્તારમાં માલધારી સમાજની બેઠક મળી હતી. જેમાં એક સૂર સાથે લડાઈ લડવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.
આવતીકાલે દૂધનું વેચાણ અને ડેરીઓમાં દૂધ નહીં ભરાય
માલધારી સમાજ દ્વારા રખડતા ઢોરોનો મુદ્દો કે તબેલામાંથી ઢોરોને ઉપાડી જવાને લઈને સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને માલધારી સમાજના ધર્મગુરુથી લઈને અનેક લોકો આ આંદોલનમાં જોડાયા છે. માલધારી સમાજ આવતીકાલે 21 સપ્ટેમ્બરના દિવસે દૂધ વેચાણ નહીં કરે તેમ જ ડેરીઓમાં પણ દૂધ નહીં ભરે તેવું આહ્વાન કર્યું છે.

બેઠકોમાં લેવાયો નિર્ણય
સુરત કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર ઉભા કરાયેલા તબેલા ઉપર તવાઈ બોલાવ્યા બાદ આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. માલધારીઓએ કહ્યું કે રખડતા ઢોરોને પકડો તો ચાલે પરંતુ અમારા તબેલામાં બાંધેલા ઢોરોને શા માટે પકડી જાવ છો. જે મુદ્દાને લઈને રાજ્યભરમાં આંદોલન થયા હતા. સરકાર સામે માલધારી સમાજે વિવિધ માંગણીઓ મૂકી છે. જે અંતર્ગત આવતીકાલે દૂધનું વેચાણ નહીં કરીને સરકારની સામે રોશ વ્યક્ત કરવામાં આવશે.

માલધારી સમાજની માગણી
- માલધારીઓને પોતાની જમીન લેવાનો અધિકાર ,
- દરેક ગામ , શહેરના વાડાઓ સહીત નવી માલધારી વસાહતો . પશુપાલકોને દૂધમાં લીટર દીઠ સબસીડી.
- માલધારી સમાજને વર્ષ -1965ના પરીપત્ર મુજબ ખેડૂત હક્ક અપાવવો.
- ઢોર નિયંત્રણ કાયદો -૨૦૨૨ રદ કરવો.
- ગૌચર પર થયેલા દબાણો દુર કરવા
- માલધારીઓના વાડા નિયમિત કરવા .
- પાંજરાપોળ અને ગૌશાળાઓને પુરતી સહાય આપવી
- રખડતા ઢોર કે પશુ માટે સરકારે નવા પાંજરાપોળ બનાવવા જોઈએ .
- ગૌપાલક નિગમ મારફત માલધારી સમાજને પુરતું ધિરાણ આપવું