અમદાવાદ, 23 ડિસેમ્બર 2023, ગુજરાતમાં રોજગારી અને ઉદ્યોગોના સર્જન માટે સરકાર વાયબ્રન્ટ સમિટ થકી મુડીરોકાણ લાવવા માટે કમરકસી રહી છે. એવામાં GPCBના તત્કાલિકન સભ્ય સચિવના એક નિર્ણયથી ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તત્કાલિન સભ્ય સચિવ એ.વી.શાહના પરિપત્ર પ્રમાણે ઔદ્યોગીક એકમ માટે પ્રોપર્ટી ભાડે લેનાર તથા પ્રોપર્ટી ભાડે આપનાર માલીક પર્યાવરણના કાયદાના ભંગના કિસ્સામાં સંયુક્તપણે જવાબદાર રહેશે. આ નિર્ણય કાયદા વિરૂદ્ધ છે અને સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું પ્રોપર્ટી ભાડે આપનાર ઉદ્યોગકારોનું કહેવું છે.
ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પાર્ક એસોસિએશન દ્વારા CM સુધી રજૂઆત
GPCBના તત્કાલિન સભ્ય સચિવ એ.વી.શાહના પરિપત્રને લઈને ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પાર્ક એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી તેમજ ઉદ્યોગ કમિશ્નર એસ જે હૈદરને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં જણાવ્યું છે કે, GPCB દ્વારા ઔદ્યોગિક એકમ માટે પ્રોપર્ટી ભાડે આપનાર માલિક અને પ્રોપર્ટી ભાડે લેનાર ભાડૂઆત પ્રદૂષણના કાયદાના ભંગમાં સરખા ગુનેગાર છે. GPCBનો આ પરિપત્ર કાયદાકિય રીતે વાજબી નથી. કારણ કે જે વ્યક્તિ પ્રોપર્ટી ભાડે આપે છે ત્યાર બાદ ભાડુઆત પ્રોપર્ટીમાં શું કરી રહ્યો છે તે ક્યારેય જોવા જતો નથી. તેમજ ભાડુઆત પણ દરવખતે પ્રોપર્ટીના માલિકને પ્રોપર્ટીની અંદર પ્રવેશ આપવા માટે રાજી નથી હોતા. ભાડુઆતે કરેલા કાયદાના ભંગમાં પ્રોપર્ટીના માલિકને ગુનેગાર ઠેરવવો તે યોગ્ય નથી. ગુજરાતમાં આવતાં ઉદ્યોગો પાસે GPCB દ્વારા સંયુક્ત જવાબદારીનું એક સોગંદનામું માંગવામાં આવે છે જેનાથી ઉદ્યોગકારો પરેશાન છે. સરકાર ઉદ્યોગો માટે નવી પોલીસી બનાવે છે અને આવા અધિકારીઓ ઉદ્યોગકારોને હેરાન કરે છે.
સરકારી નીતિના અમલમાં અવરોધ ઉભો થઈ રહ્યો છે
ઉદ્યોગકારોના મતે જોઈએ તો પ્રોપર્ટી જ્યારે ભાડે આપવામાં આવે છે ત્યારે ભાડુઆતનું પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવે છે. જેથી ભાડુઆતે કરેલી કાયદાના ભંગમાં પ્રોપર્ટીનો માલિક ગુનેગાર કઈ રીતે હોઈ શકે. GPCBના તત્કાલિન સભ્ય સચિવનો નિર્ણય ઉદ્યોગકારોને મુશ્કેલીમાં મુકનારો અને કાયદા વિરૂદ્ધનો છે. તત્કાલિન સભ્ય સચિવ એ.વી.શાહની ઔદ્યોગિક એકમોમાં થતાં પ્રદૂષણ અંગે જગ્યાના માલિકને પણ જવાબદાર ઠેરવવાની પરિપત્ર દ્વારા કરાયેલી માંગ વાજબી નથી. ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પાર્ક એસોસિએશનનું કહેવું છે કે GPCBના તત્કાલિન સભ્ય સચિવ એ.વી.શાહએ 2020માં જાહેર કરેલા પરિપત્ર પ્રમાણે સરકારી નીતિનો યોગ્ય અમલ થતો નથી પરિણામે સરકાર બદનામ થાય છે અને સરકારી નીતિના અમલમાં અવરોધ ઉભો થઈ રહ્યો છે.
2020ના રોજ જારી કરવામાં આવેલ પરીપત્રનો વિરોધ
ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા ઔદ્યોગીક એકમો પાસેથી જે-તે ડોક્યુમેન્ટ્સ અને તેની પ્રક્રિયાને નિર્દેશ કરતુ મેન્યુઅલ GPCBની વેબસાઈટમાં અપલોડ કરાયુ છે તથા 26 જુન, 2020ના રોજ જારી કરવામાં આવેલ પરીપત્રમાં ઔદ્યોગીક એકમની પોતાની માલીકીની જગ્યા ન હોવાનાં સંજોગોમાં ભાડા કરાર રજૂ કરવામાં આવે છે જેને અનુલક્ષીને ઔદ્યોગીક એકમ દ્વારા જ્યારે પર્યાવરણનાં કાયદાનો ભંગ થાય ત્યારે ભાડુઆત જગ્યા ખાલી કરીને જતાં રહેવાનાં સંજોગોમાં કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા ભાડે લેનાર તથા ભાડે આપનાર માલીકની પર્યાવરણનાં કાયદાના ભંગના કિસ્સામાં સંયુક્તપણે જવાબદારી રહે છે તેવો ઉલ્લેખ ભાડા કરારમાં કરવો અથવા તો બાંહેધરી પત્રક તેઓ પાસે માંગવુ તેવી GPCBની માંગ છે. તે સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદાની વિરૂદ્ધ છે.
પર્યાવરણનાં કાયદાનું ઉલ્લંઘન કરે તે જ વ્યક્તિ દંડને પાત્ર બને
ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પાર્ક એસોસિએશને પત્રમાં જણાવ્યા પ્રમાણે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, 1986 એક અમ્બ્રેલા લજીઝલેશન તરીકે ઓળખાય છે. જે ભોપાલ ગેસ લીકેજ ટ્રેજેડી 1984 પછી સરકાર દ્વારા અમલમાં મુકાયો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા ભોપાલ ગેસ લીકેજ ટ્રેજેડીનાં ચુકાદા સમયે પર્યાવરણ બાબતે એક સિદ્ધાંત સંપાદીત કરવામાં આવ્યો તેને “પોલ્યુટર્સ પે પ્રીન્સીપલ’ તરીકે ઓળખવામાં આવે છે. જે આજે પણ સુપ્રીમ કોર્ટ દ્વારા જે-તે પર્યાવરણનાં કાયદાનાં ભંગ બાબતે પાસ કરવામાં આવતા ચુકાદામાં તેનું સંપુર્ણપણે સન્માન કરવામાં આવે છે અને તેને મુળ સિદ્ધાંત તરીકે આદરવામાં આવે છે. “પોલ્યુટર્સ પે પ્રિન્સીપલ”ની વ્યાખ્યા એ છે કે જે મનુષ્ય અથવા ઔદ્યોગીક એકમ દ્વારા પર્યાવરણના કાયદાનુ ઉલ્લંઘન થાય છે અને પર્યાવરણને અથવા તો પર્યાવરણ સાથે સંકળાયેલા જીવોને, પશુઓને કે નિર્જિવ વસ્તુઓને નુકસાન પહોંચાડે છે તેવા કીસ્સામાં જે પ્રદુષણ કરે છે કે પર્યાવરણનાં કાયદાનું ઉલ્લંઘન કરે છે તે જ વ્યક્તિ દંડને પાત્ર બને છે.
પરીપત્ર અને મેન્યુઅલને જરૂરી સુધારા-વધારા કરી અમલમાં મુકવો
ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પાર્ક એસોસિએશને પત્રમાં એવું પણ કહ્યું છે કે, ઉપરોક્ત સિદ્ધાંત ભોપાલ ગેસ લીકેજ ટ્રેજેડી પછી પર્યાવરણના કાયદાનુ મુળ અંગ બન્યું છે. જેને સરકારી કે અર્ધસરકારી કે પછી બૉર્ડ દ્વારા સંપૂર્ણપણે માન આપવું અને તેનો અમલ થાય તે દ્રષ્ટિથી પરીપત્ર કે ધારા-ધોરણો નક્કી કરવાના હોય છે. 26 જૂન 2020ના GPCBના પરીપત્ર અને તેની વેબસાઈટ ઉપર અપલોડ કરેલ મેન્યુઅલ જે સંયુક્ત જવાબદારી પર્યાવરણના કાયદાના ભંગના કિસ્સામા ભાડુઆત અને પ્રોપર્ટીના માલીક પાસેથી ભાડા કરારમાં સુનિશ્ચિત કરવી તે પર્યાવરણના સિદ્ધાંતની વિરૂદ્ધ છે અને સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરે છે. જેથી GPCBના પરીપત્ર અને મેન્યુઅલને કાયદાની દૃષ્ટિથી જરૂરી સુધારા-વધારા કરી અમલમાં મુકવો. જેથી પ્રોપર્ટીનો માલીક કોઈપણ સંકોચ વિના ઔદ્યોગિક એકમને જગ્યા ભાડે આપી શકે. રાજ્ય સરકાર એક તરફ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ થકી ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપે છે જ્યારે આવા અધિકારીઓ અવરોધ પેદા કરે છે.