ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસિએશન દ્વારા રાજ્યભરમાં આવતીકાલે પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરવાની જાહેરાત કરવામાં આવી હતી જો કે આ નિર્ણય ગુરુવારે મોડી સાંજે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં મોકૂફ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે કે આ હડતાલની આગ જ્યાંથી લાગી તેવા રાજસ્થાનમાં આંદોલન વધુ તેજ બન્યું છે અને ત્યાં હડતાલ અનિશ્ચિતકાલ સુધી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
શા માટે કરવામાં આવતી હતી હડતાલ
મળતી માહિતી મુજબ, ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસો.નાં અરવિંદભાઈ ઠકકર અને જનરલ સેક્રેટરી ધીમંત ઘેલાણી, સીએનજીના ગોપાલભાઈ ચુડાસમાની સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ ડીલરોના ઘણા સમયથી પડતર પ્રશ્નો હતા. જેમાં વખતોવખત સેન્ટ્રલ ગવર્મેન્ટ પેટ્રોલીયમ મંત્રાલય સુધી રજૂઆતો કરવા છતા છેલ્લા 6 વર્ષથી ડીલર માર્જીનમાં વધારો થયો ન હતો. સીએનજી માર્જીન પણ 17 મહિનાથી મળેલ ન હતું. બ્રાન્ડેડ પેટ્રોલ-ડીઝલ ફરજીયાત વેચવા કંપનીઓ ડીલરો પર દબાણ કરી પરેશાન કરે છે પેટ્રોલ પંપો ચલાવવા અને કર્મચારીઓને પુરતુ વેતન આપવું મુશ્કેલ બનતા તા.15ને શુક્રવારે ડીલરો પેટ્રોલ-ડીઝલ નહીં ખરીદવા નિર્ણય લઈ તેની જાણ ઓઈલ કંપનીઓ અને પુરવઠા ખાતુ ગાંધીનગરને કરેલ હતી પરંતુ ત્યારબાદ ગુરુવારે સાંજે ડીલર્સની બેઠક યોજાઇ હતી જેમાં માંગણી અંગે ઘટતું કરવાની ખાતરી મળતા આ નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.
રાજસ્થાનના ડીલર્સ આકરા પાણીએ
દરમિયાન રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (RPDA) દ્વારા તેમની માંગને લઈને બે દિવસીય સાંકેતિક હડતાળ સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલુ રહી હતી. પરંતુ રાજ્ય સરકારે આ અંગે પોતાની જીદ જાળવી રાખી હતી અને કોઈ હકારાત્મક અભિગમ અપનાવ્યો ન હોવાનો આક્ષેપ છે. આ સંદર્ભે, ગુરુવારે સાંજે આરપીડીએની એક્ઝિક્યુટિવ બેઠક મળી હતી, જેમાં સર્વાનુમતે 15 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યાથી આરપીડીએ દ્વારા રાજ્યવ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાનો નિર્ણય લેવાયો હતો.
શું કહે છે એસોસિએશન ?
એસોસિએશને કહ્યું છે કે આ અનિશ્ચિત આંદોલનને કારણે જનતાને પડેલી અસુવિધા માટે અમે ખેદ વ્યક્ત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે જનતા આ શાંતિપૂર્ણ આંદોલનમાં અમને સાથ આપશે. જો વાસ્તવિક રીતે જોવામાં આવે તો વાસ્તવમાં આ સામાન્ય લોકોની લડાઈ છે. કારણ કે રાજસ્થાન રાજ્યમાં પેટ્રોલ પરના ઊંચા વેટને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉંચા છે અને ઉંચા ભાવને કારણે રોજબરોજની તમામ વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેથી જો વેટ ઘટાડવામાં આવે તો તેનો સીધો ફાયદો સામાન્ય લોકોને થશે અને પેટ્રોલ પંપનો ધંધો પણ ધમધમતો થશે.