“મોતની પોટલી” : બોટાદ કેમિકલ કાંડમાં મોતનો આંકડો 35 પાર, હવે માતમ પર રાજનીતિ
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ તે માત્ર ચોપડા ઉપર જ. જેટલો દારૂ પરમિશન વાળા રાજ્યોમાં નહીં વેચાતો અને પીવાતો હોય તેટલો દારૂ તો આ દારૂબંધી વાળા રાજ્યમાં વેચાય અને પિવાય એવું કહેવામાં આવી રહ્યું છે. એમા પણ આ બોટાદમાં થયેલા લઠ્ઠા કાંડે સરકાર અને પોલીસની નિંદર ઉડાડી દીધી છે. બોટાદ, ધંધુકા અને બરવાળામાં ઝેરી કેમિકલવાળો દારૂ પીવાને કારણે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ગઇકાલે રાત્રે જ્યાં 18 લોકોના મોત થયા હતા ત્યાં જ આ આંકડો આજે ડબલ થઇ ગયો છે એટલે કે, રોજિંદ ગામે ઝેરી કેમિકલવાળો દારૂ પાનાર લોકોના મોતનો આંકડો 36 પર પહોંચી ગયો છે. જ્યારે 30થી વધુ લોકો હાલ સારવાર હેઠળ છે. જેમાંથી કેટલાક લોકોની હાલત ગંભીર હોવાની પણ જાણકારી સામે આવી રહી છે અને ત્યાં જ હજુ પણ મોતનો આંકડો વધે તેવી શક્યતાઓ છે. આ અંગે ડીજીપી આશિષ ભાટિયાએ પ્રેસકોન્ફરન્સ કરીને મીડિયાને આ અંગેની માહિતી આપવામાં આવી હતી. તેમણે આ અંગે જણાવ્યુ કે, કેમિકલ પદાર્થ પીધા બાદ 28 લોકોના મોત થયા છે. આ કેમિકલને દારૂમાં નહીં પરંતુ પાણીમાં જ 98 ટકા જેટલો મિથાઇલ કેમિકલ મેળવવામાં આવ્યું છે.
મીડિયા સાથેની વાતચીતમાં DGP આશિષ ભાટિયાએ જણાવ્યુ હતુ કે, કેમિકલ પદાર્થ પીવાની અસર લોકો પર થઇ છે તેવી માહિતી મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, બોટાદ જિલ્લાનાં કેટલાક ગામડા, ખાસ કરીને રોજિદા અને ચોકડી ગામમાં કેટલાક લોકોએ કેમિકલ પદાર્થ પીધો છે અને તેની અસર થઇ છે. જેથી બોટાદ એસપી તથા આજી પણ ત્યાં તપાસ કરવા પહોંચ્યા હતા. ત્યાં જ બોટમાં બનેલી ઘટનાના પગલે નશાબંધીના ડાયરેકટર એસ.પી. સનધવી બરવાળા પહોંચ્યા છે અને પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક કલાકથી તપાસ સમીતીની બંધ બારણે મિટિંગ ચાલી રહી છે. જેમાં એસઆઈટીના વડા સહિતના અધિકારીઓ મિટિંગ કરી રહ્યા છે. ત્યાં જ હવે બોટાદ લઠ્ઠાકાંડ મામલે હવે રાજ્યમાં રાજનીતિ પણ તેજ થઇ ગઇ છે. ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે તો બીજી તરફ રાજ્ય સરકારે પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પણ રોજિંદ ગામે પહોંચ્યા છે અને સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહ્યા છે.
આ પણ વાંચો : લઠ્ઠાકાંડ મામલે પોલીસ એકશન મોડમાં, 14 લોકોની ધરપકડ સાથે DGP એ જણાવ્યો એક્શન પ્લાન
ગુજરાતમાં કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ એકદમ એક્ટિવ થઈ ગઈ છે, એટલું જ નહીં ગઈકાલે લઠ્ઠાકાંડની ઘટના બની તે જ સમયે આપના સુપ્રીમો કેજરીવાલ પણ ગુજરાતમાં હતા અને સૌથી પહેલા કેજરીવાલે જ ટ્વીટ કરી સરકાર સામે સવાલો ઉઠાવતા ભાજપ સરકાર ભીંસમાં આવી ગઈ છે.