પાકિસ્તાનઃ મુશર્રફના મૃત્યુના નવ મહિના બાદ મૃત્યુદંડની સજા અંગે સુનાવણી થશે!
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને તેમના મૃત્યુના નવ મહિના પછી 10 નવેમ્બરે મૃત્યુદંડની સજા અંગે સુનાવણી થશે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં ચાર ન્યાયાધીશોની બેન્ચ તેમની મૃત્યુદંડની સજા રદ કરવાના નિર્ણય પર સુનાવણી કરશે. અગાઉ, પરવેઝ મુશર્રફને દેશદ્રોહના કેસમાં પાકિસ્તાનની વિશેષ અદાલતે ફાંસીની સજા સંભળાવી હતી. જોકે, કોઈ વ્યક્તિના મૃત્યુ પછી મૃત્યુદંડ અંગે સુનાવણી કરવી એ કદાચ સાંભળ્યું ન હોય. પરંતુ આવું પાકિસ્તાનમાં થવાનું છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું ફેબ્રુઆરી 2023માં અવસાન થયું હતું. હવે 9 મહિના પછી પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની વિશેષ બેંચ જનરલ મુશર્રફ દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરશે. પાકિસ્તાની અખબાર ‘ડૉન’ના અહેવાલ અનુસાર, 17 ડિસેમ્બર, 2019ના રોજ જસ્ટિસ વકાર અહમદ સેઠ, જસ્ટિસ નઝર અકબર અને જસ્ટિસ શાહિદ કરીમની બનેલી ત્રણ જજોની વિશેષ અદાલતે પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને બંધારણના ઉલ્લંઘન બદલ કલમ 6 હેઠળ દેશદ્રોહી ઠેરવ્યા હતા. તેમના પર લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનો આરોપ હતો.
લાહોર હાઈકોર્ટે ફાંસીની સજા રદ કરી
જો કે સ્પેશિયલ કોર્ટના આ નિર્ણય પર પાકિસ્તાન સેનાએ નારાજગી વ્યક્ત કરી હતી. આ પછી લાહોર હાઈકોર્ટે મુશર્રફની ફાંસીની સજા રદ કરી હતી. ખાસ વાત એ છે કે 9 જાન્યુઆરી 2020ના રોજ લાહોર હાઈકોર્ટે સ્પેશિયલ કોર્ટની બેંચની રચનાને ગેરબંધારણીય ગણાવી હતી.
મુશર્રફના વકીલ દલીલો રજૂ કરશે
10 નવેમ્બરે પ્રથમ સુનાવણીમાં મુશર્રફ વતી તેમના વકીલ સલમાન સફદર દલીલો રજૂ કરશે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરતી વખતે સલમાને કહ્યું હતું, મારા સ્વર્ગસ્થ ક્લાયંટને જે રીતે સજા સંભળાવવામાં આવી તે પાકિસ્તાનના બંધારણ અને ક્રિમિનલ પ્રોસિજર કોડ 1898નું ઉલ્લંઘન છે. આ પહેલા પણ મુશર્રફ વતી તેમના વકીલે કેટલીક અરજીઓ દાખલ કરી હતી. જેમાં મુશર્રફની સજાને સ્થગિત કરવાની માગ કરાઈ હતી.
આ પણ વાંચો: ભારતમાં જન્મેલા મુશર્રફ કેવી રીતે બન્યા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને કેમ તેમના પર ચાલ્યો દેશદ્રોહનો કેસ?