અમરનાથ યાત્રા દરમિયાન બિહારના એક શ્રદ્ધાળુનું મોત થયું
અમરનાથ યાત્રા દરમિયાન બિહારના એક શ્રદ્ધાળુનું મોત થયું છે. પવિત્ર અમરનાથ ગુફામાંથી પરત ફરતી વખતે શુક્રવારે મોડી રાત્રે 50 વર્ષીય તીર્થયાત્રીનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આ તરફ ઘટનાને લઈ સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, મૃતક કાલીમાતા પાસે ફસાઈ ગયા બાદ 300 ફૂટ નીચે પડી ગયા હતા. પવિત્ર અમરનાથ ગુફામાંથી પરત ફરતી વખતે શુક્રવારે મધરાત્રે 50 વર્ષીય તીર્થયાત્રીનું મૃત્યુ થયું છે. જોકે તીર્થયાત્રીને પર્વત બચાવ ટીમ અને સેના દ્વારા સંયુક્ત રીતે બચાવી લેવામાં આવ્યો હતો પરંતુ પાછળથી તેમનું મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ વિજય કુમાર શાહ તરીકે થઈ છે. પ્રાથમિક વિગતો મુજબ તે બિહારના રોહતાસ જિલ્લાના તુમ્બા ગામનો રહેવાસી હતા.
અમદાવાદમાં ઇસ્કોન ઓવરબ્રિજ અકસ્માત કેસ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 જેટલાં લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી પર આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. તો કોર્ટ આજે પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજી પર ચુકાદો આપી શકે છે. અગાઉ પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પણ સુનાવણી દરમિયાન કોર્ટે બંન્ને પક્ષોની દલીલો સાંભળી ચુકાદો અનામત રાખ્યો હતો. પ્રજ્ઞેશ પટેલે કેન્સરની બિમારીનું કારણ દર્શાવી વચગાળાના જામીનની માંગ કરી છે.
લદ્દાખમાં દુકાનની અંદર શંકાસ્પદ વસ્તુમાં વિસ્ફોટ
લદ્દાખના કારગિલ જિલ્લામાં શુક્રવારે એક દુકાનની અંદર એક શંકાસ્પદ વસ્તુમાં વિસ્ફોટ થવાના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા અને નવ અન્ય ઘાયલ થયા હતા. રગિલ જિલ્લામાં એક દુકાનની અંદર વિસ્ફોટ થવાની ઘટનામાં 3 મજૂરોના મોત થયા છે. આ ઘટનાને લઈ ડેપ્યુટી કમિશનર સુસેએ કહ્યું કે, ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમને જરૂરિયાત મુજબ શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. ડીસી કારગીલ અને એસએસપી કારગિલ જીલ્લા હોસ્પિટલ કારગિલ કુરબાથાંગની મુલાકાત લઈને ઘાયલોની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી આ ઘટનાને લઈ કારગિલના ડેપ્યુટી કમિશનર શ્રીકાંત સુસેએ જણાવ્યું કે, નવ ઘાયલોમાંથી બેની હાલત ગંભીર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટ દ્રાસના કબાડી નાલા વિસ્તારમાં ભંગારના વેપારીની દુકાનની અંદર થયો હતો.
અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક
અમદાવાદના બાપુનગરમાં આતંક મચાવનાર અસામાજિક તત્વોના વીડિયો મુદ્દે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તલવાર લઈને રોફ જમાવનાર બંન્ને આરોપીઓને પોલીસે ઉઠક-બેઠક કરાવી હતી. બન્ને આરોપી પર વેપારીઓ પાસેથી ઉઘરાણી અને મહિલાની છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે આરોપીઓએ ગાડીમાં આગ લગાવી બાપુનગરમાં આતંક મચાવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી તલવાર જપ્ત કરી તપાસ શરુ કરી છે. જ્યારે હજુ આ કેસમાં અન્ય આરોપીઓને પકડવાના બાકી છે.
રાહુલ ગાંધીએ શાકભાજી વેચનારને ભોજન પીરસ્યું
રાહુલ ગાંધીએ શુક્રવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આમાં તેઓ દિલ્હીના આઝાદપુર માર્કેટના એક શાકભાજી વેચનાર વ્યક્તિ, તેમની પત્ની અને પુત્રી સાથે પોતાના ઘરે વાત કરતા જોવા મળે છે. જ્યારે શાકભાજી વેચનાર આ વ્યક્તિ રાહુલને સર કહીને બોલાવે છે ત્યારે રાહુલ કહે છે કે મારું નામ રાહુલ છે, મને સર ના કહો. રાહુલ તેમને પોતાના હાથે ભોજન પણ પીરસે છે.રાહુલે વિડિયો સાથે લખ્યું છે – રામેશ્વર જી એ ભારતનો અવાજ છે જેની પીડા, મુદ્દાઓ અને પડકારો આજે મુખ્યધારાની ચર્ચાથી દૂર છે. આપણા બધાની નૈતિક જવાબદારી છે કે આપણે તે ભારતનો અવાજ સાંભળીએ અને સંઘર્ષો સામે લડવામાં સહયોગ કરીએ.
લોન એકાઉન્ટસમાં દંડને લઇને RBI આક્રમક
રિઝર્વ બેન્કે લોન એકાઉન્ટસને લઇને પેનલ્ટી નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. હવે દેશની બેન્કો અને નોન- બેકિંગ નાણાંકીય કંપનીઓ (એનબીએફસી) વ્યાજ પેનલ્ટીનો ઉપયોગ આવક વધારવા માટે નહીં કરી શકે. ઇએમઆઇ ચૂકી જનાર ગ્રાહક પર મનમાની રીતે દંડ લાગુ કરી શકશે નહીં. રિઝર્વ બેન્કે પરિપત્રમાં કહ્યું છે કે, આ દંડની રકમ એક ચોક્ક્સ મર્યાદા કરતા વધારે હોવી જોઇએ નહીં. સરકારી અને ખાનગી તમામ સંસ્થાઓને આ દિશાનિર્દેશ અથવા તો ગાઇડલાઇનને પાળવાની રહેશે. આ ગાઇડલાઇન આગામી વર્ષે પહેલી જાન્યુઆરીથી અમલી બનશે. આરબીઆઇના મુજબ નિયમોનું પાલન નહીં કરનાર ગ્રાહકો પર દંડ લાગુ કરવામાં આવશે તો તેને પિનલ ચાર્જ ગણવામાં આવશે.
ગદર 2એ સિનેમાઘરોમાં ગદર મચાવી
સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’ શુક્રવારે 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મને એક સપ્તાહ થઈ ગયું છે અને આ ફિલ્મ જબરદસ્ત કમાણી કરતી જોવા મળી રહી છે. ફિલ્મ ‘ગદર 2’ની કમાણીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ ‘KGF 2’ને આ ફિલ્મે પાછળ છોડી દીધી છે. બંને ફિલ્મોની પ્રથમ સપ્તાહની કમાણીની સરખામણી કરવામાં આવે તો સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ આગળ છે. ચાલો જાણીએ ફિલ્મ ‘ગદર 2’ એ એક અઠવાડિયામાં બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી છે.