કુવાડવા પોલીસ સ્ટેશનમાં જુગારના આરોપીનું મોત, કસ્ટોડીયલ ડેથમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ !
રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે 2:15 વાગ્યે જુગાર કેસમાં પકડાયેલ આરોપી બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે સિવિલ હોસ્પિટલના તબીબોએ આરોપી જયંતીને મૃત જાહેર કર્યો હતો. મૃતક જયંતીના ભાઈ વિનુ અગેચણીયાએ જણાવ્યું હતું કે, અમે મનહરપુરમાં રહીએ છીએ ગઈકાલે રાત્રે 10 વાગ્યે કુવાડવા પોલીસના કર્મીઓ ઘરે આવીને મારા ભાઈ જયંતીને લઈ ગયા હતા.
આ પણ વાંચો : ગાંધીનગર હાઈએલર્ટ પર, 77 આરોગ્ય કર્મીઓએ મુખ્યમંત્રીના નિવાસ્થાને આત્મવિલોપનની ચિમકી
વહેલી સવારે 4 વાગ્યે પોલીસનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારા ભાઈ જયંતીની તબિયત ખરાબ છે સિવિલ હોસ્પિટલ આવી જાઓ. જેથી અમે સિવિલ હોસ્પિટલ આવ્યા ત્યારે ત્યા તો ભાઇનો મૃતદેહ હતો. શરીર પર ઇજા હોવાનું જોવા મળ્યું છે. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં શું કારણ સામે આવે છે તેની રાહ જોઈએ છીએ. જ્યાં સુધી તટસ્થ તપાસ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકરવાનો પરિવારે ઇનકાર કર્યો હતો.કસ્ટોડીયલ ડેથની વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં સમગ્ર ભારતમાં સૌથી વધુ ગુજરાતમાં 80 જેટલા કસ્ટોડિયલ ડેથના કેસ નોંધાયા છે, ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં આ માહિતી ગયા માસમાં આપી હતી. તે પછી મહારાષ્ટ્ર (76), ઉત્તર પ્રદેશ (41), તમિલનાડુ (40) અને બિહાર (38)નો નંબર આવે છે. એટલે ગુજરાત કસ્ટોડીયલ ડેથમાં દેશમાં પ્રથમ છે.