અમદાવાદ, 26 ડિસેમ્બર 2023,ગુજરાતમાં કોરોનાએ ફરી વખત કહેર મચાવવાનું શરૂ કર્યું છે. અમદાવાદમાં કોરોનાના નવા બે કેસ ઉમેરાતા હવે કુલ 35 એક્ટિવ કેસ છે. આ તમામ કેસ શહેરના પશ્ચિમ વિસ્તારમાં નોંધાયેલા છે. ત્યારે હાલની લહેર પ્રમાણે અમદાવાદ શહેરમાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની માહિતી મળી છે. રાજ્યમાં લાંબા સમય બાદ કોરોનાથી મૃત્યુ થયુ હોવાની ઘટના બની છે. શહેરમાં દરિયાપુરના 82 વર્ષિય મહિલાનું કોરોનાથી મૃત્યુ થયું હોવાની વિગતો મળી છે. આ મહિલા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં.
35 એક્ટિવ કેસોમાંથી 30 જેટલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી
અમદાવાદમાં હાલમાં કોરોનાના 35 કેસો એક્ટિવ છે. શહેરના પશ્ચિમ વિસ્તાર નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ અને થલતેજમાં આ કેસ નોંધાયા છે. મોટાભાગના દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે. 35 એક્ટિવ કેસોમાંથી 30 જેટલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. જેથી કહી શકાય કે જે દર્દીઓ બહારથી અમદાવાદ આવે છે. ત્યાર બાદ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા હોય છે અને કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. તાજેતરમાં ગાંધીનગરમાં પણ બે મહિલાઓ દક્ષિણ ભારતમાં ફરીને આવી હતી. ત્યાર બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
મોટાભાગે તમામ કેસો પશ્ચિમ વિસ્તારમાં નોંધાયેલા છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ મીડિયાને જણાવ્યું હતું કે, અમદાવાદમાં કુલ 35 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં મોટાભાગે તમામ કેસો પશ્ચિમ વિસ્તારમાં નોંધાયેલા છે. પશ્ચિમ વિસ્તારના 14 અને ઉત્તર પશ્ચિમ વિસ્તારના 11 કેસ નોંધાયેલા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કોરોના કાળ દરમિયાન જે રીતે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ શરૂ કરી હતી તે જ રીતે ફરી એકવાર ટેસ્ટિંગ ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર વધુ ભાર મુકાશે. હાલમાં જે રીતે કોરોનાના કેસો અમદાવાદમાં આવી રહ્યા છે. લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ આ બાબતે સતર્ક છે. જે પણ દર્દી કોરોના પોઝિટિવ આવી રહ્યા છે તેઓના સેમ્પલ લઈ જીનોમ સિક્વન્સ માટે ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાત: ગાંધીનગર શહેરમાં પણ કોરોના ફેલાયો, કેસ વધતા લોકોમાં ફફડાટ