ગુજરાત
રાજકોટ પાસે ફેરીયાઓ વચ્ચેની મારામારીમાં ઘાયલ યુવકનું મોત
રાજકોટ – જૂનાગઢ હાઈવે ઉપર આવેલા યાત્રાધામ વીરપુર નજીક પીઠડીયા ટોલનાકા પાસે થોડા દિવસ પહેલા ફેરીયાઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં ઈજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોત થતાં બનાવ હત્યામાં તબદીલ થયો હતો.
ખાણીપીણીની વસ્તુઓ વેંચવા બાબતે થઈ હતી માથાકૂટ
મળતી માહિતી મુજબ, વીરપુર પાસે આવેલા પીઠડિયા ટોલ નાકા પાસે ખાણીપીણી વેચતા ફેરીયાઓ પૈકી પપ્પુ ઘાવરી બારૈયા (ઉ.વ.40)ને એક મહિના અગાઉ ગૌરીબેન કોળી નામની મહિલા સાથે પાણી વેચાણ કરવા મામલે રકઝક થઈ હતી. જે બાબતે ગત તા.28 જૂનના જ્યારે પપ્પુભાઈ ટોલનાકા પાસે ફેરી કરી રહ્યા હતા ત્યારે ગૌરીબેનનો પુત્ર અર્જૂન ત્યાં આવ્યો હતો. અર્જૂને ત્યાં આવી લોખંડની પ્લેટ પપ્પુભાઈના માથામાં મારી દિધી હતી. જેના કારણે પપ્પુભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. છતાં અર્જૂને મારવાનું ચાલુ રાખતા અન્ય ફેરિયાઓ વચ્ચે પડતા અર્જૂન નાસી ગયો હતો.
ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો
માથાના ભાગેથી વધારે લોહી નીકળવા લાગતા ગંભીર હાલતમાં પપ્પુભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાંથી હેમરેજ હોવાના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.
બનાવ સીસીટીવીમાં કેદ, ફૂટેજ ઉપરથી નોંધાયો ગુનો
સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા વીડિયો વાયરલ થયો હતો.જે મામલે વીરપુર પોલીસે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જઈ પપ્પુભાઈની પત્નીની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. વીરપુર પોલીસે આરોપી અર્જૂન પર આઈ.પી.સી. કલમ 232, 325 અને જી.પી. એક્ટ 135 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
યુવકને લોહી વધુ વહી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું
આ બનાવમાં પપ્પુ બારૈયાનું ગંભીર ઇજા થવાને કારણે લોહી નીકળતા આજે સવારે મોત નિપજતા બનાવ હત્યામાં પલટયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તેમને સંતાનમાં સાત દીકરી અને એક દીકરો છે. યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો છે. આ મામલે પોલીસે મારામારીની ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.