મધ્યાહ્ન ભોજનની ખીચડીમાંથી મૃત ગરોળી મળી, શાળાના આચાર્ય અને 14 બાળકો બીમાર
અજગૈવીનાથ ધામ (બિહાર), 21 જુલાઈ, 2024: બિહારની એક શાળામાં ગઈકાલે શનિવારે મધ્યાહ્ન ભોજનની ખીચડી ખાધા બાદ શાળાના પ્રિન્સિપાલ ઉપરાંત 14 બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. જોકે તત્કાળ સારવાર મળી જતા કોઈ મોટી કરુણાંતિકા સર્જાઈ નહોતી. અજગૈવનાથ તાલુકામાં કુમૈથા પંચાયત હેઠળની પ્રાથમિક શાળા મધુસુદનપુર નવટોલિયામાં મધ્યાહન ભોજનમાં ખીચડી ખાધા બાદ મુખ્ય શિક્ષક અને 14 બાળકો બીમાર પડ્યા હતા. બાળકોને ઉલ્ટી કરતાં જોઈ વાલીઓ ગભરાઈ ગયા હતા. તેઓ બધા શાળામાં પહોંચ્યા અને હંગામો મચાવવા લાગ્યા.
બાળકો બીમાર પડ્યા બાદ રોષે ભરાયેલા વાલીઓએ સુલતાનગંજ-શાહકુંડ મુખ્ય માર્ગ લગભગ એક કલાક સુધી બ્લોક કર્યો હતો. માહિતી મળતાની સાથે જ અધિકારીઓ તેમજ પોલીસ ત્યાં પહોંચ્યા અને ગ્રામજનોને શાંત કર્યા અને જામ ખતમ કર્યો. તાલુકા વિકાસ અધિકારી તથા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે એમ્બ્યુલન્સ બોલાવી બીમાર બાળકોને સારવાર માટે શાહકુંડ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. તબીબે જણાવ્યું કે બીમાર બાળકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હતા. હવે તમામ બીમાર બાળકો સાજા છે અને ખતરાની બહાર છે.
આ અંગે તાલુકા શિક્ષણ અધિકારી રેખા ભારતીએ જણાવ્યું હતું કે ખોરાકમાં ગરોળી મળી હોવાની જાણ તેમને મુખ્ય શિક્ષક (આચાર્ય) દ્વારા કરવામાં આવી હતી. તેમણે લંચ દરમિયાન સંબંધિત અધિકારીઓને પણ તેની જાણ કરી હતી. બીજી તરફ, ટોચના અધિકારી ભૂપેશ કુમાર સિન્હાએ કહ્યું કે શાળાને એક એનજીઓ દ્વારા આપવામાં આવતા ખોરાકમાં ગરોળી હોવાની માહિતી મળી છે. તપાસ બાદ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ શનિવારે સવારે સાડા નવ વાગ્યે એનજીઓ દ્વારા બાળકોને ખિચડી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. 11:30 વાગ્યે કેટલાક બાળકો જમવા બેઠા. તે જ સમયે કેટલાક બાળકો ખોરાક લઈને ઘરે ગયા. ભોજન પીરસતી વખતે ખીચડીમાં એક ગરોળી જોવા મળી. ખીચડી ખાઈ રહેલા બાળકે જ્યારે ગરોળી જોઈ તો તેને ઉલ્ટી થવા લાગી. ખિચડીનો સ્વાદ ચાખનાર મુખ્ય શિક્ષક ગૌતમકુમાર નિરાલાની તબિયત પણ લથડવા લાગી હતી અને જે બાળકો ઘરે ભોજન લઈ ગયા હતા તેઓની પણ તબિયત બગડવા લાગી હતી. તેમને ઉલ્ટી પણ થવા લાગી એ જોઈને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો.
ભોજન પૂરું પાડનાર એનજીઓએ સ્કૂલનો વાંક કાઢ્યો હતો. એનજીઓના પદાધિકારીઓએ એવો દાવો કર્યો કે, ગરોળી ખીચડીમાં નહીં પરંતુ શાળામાં રાખવામાં આવેલાં વાસણમાં હતી કેમ કે શાળામાં વાસણોની ચોખ્ખઈ રાખવામાં આવતી નથી.
શાળાના મુખ્ય શિક્ષક ગૌતમ કુમાર નિરાલાએ જણાવ્યું કે મારા ઉપરાંત 14 બાળકો બીમાર પડ્યા હતા. મૃત ગરોળી ખીચડી પીરસતી વખતે દેખાઈ હતી. બાળકોને ખવડાવતાં પહેલાં તેમણે પોતે ખીચડીનો સ્વાદ ચાખ્યો. થોડા સમય પછી તેમને માથાનો દુઃખાવો થવા લાગ્યો હતો.
આ પણ વાંચોઃ “ભ્રષ્ટાચારના સરતાજ…શરદ પવાર”: પૂણે ભાજપના અધિવેશનમાં અમિત શાહે વિપક્ષોની કરી ધોલાઈઃ જૂઓ વીડિયો