વંદે ભારત ટ્રેનના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, IRCTC હરકતમાં આવ્યું
જબલપુર (મધ્ય પ્રદેશ), 06 ફેબ્રુઆરી: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં પીરસવામાં આવતા ભોજનમાં મૃત વંદો મળી આવ્યો હતો. આ ઘટનાને સોશિયલ મીડિયા પર શેર કરતાં પેસેન્જરે કહ્યું કે તે રાણી કમલાપતિથી જબલપુર જંકશન જઈ રહ્યો હતો. ત્યારે રેલવે દ્વારા આપવામાં આવતા ખોરાકમાં મૃત વંદો જોવા મળતા તે ચોંકી ઉઠ્યો હતો. જ્યારે મુસાફરે આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરી તો IRCTC હરકતમાં આવ્યું હતું. તેમજ ખોરાક તૈયારી કરનારી કંપની પર કડક પગલાં લીધા હતા.
પેસેન્જરે ખાવાની તસવીરો શેર કરી
1લી ફેબ્રુઆરીએ રાણી કમલાપતિથી જબલપુર જતી વંદે ભારત ટ્રેનમાં ડૉ.શુભેન્દુ કેશરીના નામનો પેસેન્જર સવાર હતો. જમવાના સમયે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કૉર્પોરેશન દ્વારા પીરસવામાં આવતા ભોજનમાં મૃત વંદો જોવા મળી આવ્યો હતો. ત્યારબાદ પેસેન્જરે તેના સોશિયલ મીડિયા પર ખાવાની તસવીર શેર કરી હતી. જેમાં સ્પષ્ટપણે મૃત વંદો દેખાઈ રહ્યો છે.
I was travelling on 1/02/2024 train no. 20173 RKMP to JBP (Vande Bharat Exp)
I was traumatized by seeing dead COCKROACH in the food packet given by them.@narendramodi @AshwiniVaishnaw @drmjabalpur @wc_railway @Central_Railway @RailMinIndia @IRCTCofficial @fssaiindia @MOFPI_GOI pic.twitter.com/YILLixgLzj— डाॅ. शुभेन्दु केशरी ⚕️👨⚕️ (@iamdrkeshari) February 2, 2024
આ ઉપરાંત, ડૉ. કેશરીએ જબલપુર સ્ટેશન પર નોંધાયેલી ફરિયાદની તસવીર પણ શેર કરી છે. આ પછી રેલવેમાં પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા હતા. તસવીરોની સાથે કેશરીએ લખ્યું, હું 1/02/2024ના રોજ ટ્રેન નંબર 20173 RKMPથી JBP (વંદે ભારત એક્સપ્રેસ) દ્વારા મુસાફરી કરી રહ્યો હતો. રેલવે દ્વારા આપવામાં આવેલા ફૂડ પેકેટમાં મૃત વંદો જોઈને હું ચોંકી ગયો હતો. જો કે, આ પહેલી ઘટના નથી જ્યારે ટ્રેનના ફૂડમાંથી જીવજંતુઓ મળી આવ્યા હોય, અગાઉ પણ પેસેન્જરના ખોરાકમાં જીવાત મળતાં હંગામો થયો હતો.
રેલવેએ ફૂડ કંપની પર ભારે દંડ ફટાકાર્યો
IRCTCએ આ ઘટના પર તરત જ એક્શનમાં આવ્યું હતું. અધિકારીઓએ પેસેન્જરને ખરાબ અનુભવ માટે માફી માંગી અને કહ્યું કે, ફૂડ તૈયાર કરનારી કોન્ટ્રાક્ટ કંપની પર ભારે દંડ લાદવામાં આવ્યો છે. તમારા જોડે જે અનુભવ થયો એ માટે અમે દિલગીર છીએ. આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને ફૂડ કંપની પર પગલાં લેવાયા છે. અને આવી ઘટના બીજીવાર ન બને તે માટે મોનિટરિંગ મજબૂત કરાયું છે.
આ પણ વાંચો: વિમાનના ભોજનમાંથી વંદો નીકળતાં ગ્રાહકે રૂપિયા 90 લાખનું વળતર માગ્યું