અમદાવાદઃ ડ્રગ્સ માફિયાઓએ જાણે કે ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનો કારસો રચ્યો હોય તેમ લાગી રહ્યું છે. જોકે ગુજરાત પોલીસની સતર્કતા ડ્રગ્સ માફિયાના પ્લાન પર પાણી ફેરવી દે છે. ગઇકાલે જ એટીએસ અને કોસ્ટ ગાર્ડ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું છે. જ્યારે અમદાવાદ એસઓજીએ સોનીની ચાલી નજીકથી રૂપિયા 23 લાખ 84 હજારના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે. તો આજે GMDC ગ્રાઉન્ડ પાસેથી DCP ઝોન 1 સ્કોડ અને લોકલ પોલીસે MD ડ્રગ્સ સાથે એક યુવતીને ઝડપી છે. પોલીસ તપાસમાં યુવતીએ એક યુવકનું નામ આપ્યાની વિગતો બહાર આવી છે. ડ્રગ્સ સાથે પકડાયેલી યુવતી ગોતા વિસ્તારમાં રહેતી હોવાની વિગતો પોલીસને મળી છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં NDPS એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
DCP ઝોન 1 લવીના સિંહાની સ્કોડને બાતમી મળી હતી કે, ગોતા ચાંદલોડિયા ખાતે રહેતી યુવતી MD ડ્રગ્સ સાથે GMDC ગ્રાઉન્ડ પાસેથી પસાર થવાની છે. બાતમીના આધારે ઝોન 1 સ્કોડે અને વસ્ત્રાપુર પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની યુવતી પસાર થતા મહિલા પોલીસે તેની તપાસ કરી હતી. યુવતી પાસેથી 4 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. વસ્ત્રાપુર પોલીસે આ અંગે ડ્રગ્સ સાથે મળી આવેલી જ્યોતિકા દીપકભાઈ ઉપાધ્યાય રહે, શિવ કેદાર ફ્લેટ, ચાંદલોડિયા-ગોતાની ધરપકડ કરી હતી. જ્યોતિકાની તપાસમાં એક યુવકનું નામ ખુલ્યું હતું.પોલીસે આ યુવકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.