IPL-2024વિશેષસ્પોર્ટસ

પંતની ગેરહાજરીમાં દિલ્હીનો ધબડકો; RCB પ્લેઓફ્સની વધુ નજીક સરક્યું

Text To Speech

13 મે, બેંગલુરુ: દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ બંને માટે આ મેચ અતિશય મહત્વની હતી. બંને માટે જીત તો જરૂરી હતી જ પરંતુ નેટ રનરેટ સુધારવો પણ એટલો જ જરૂરી હતો જેથી ટોપ 4માં તેમની પહોંચવાની સંભાવના વધી જાય. પરંતુ કેપ્ટન ઋષભ પંતની ગેરહાજરીમાં દિલ્હીની ટીમ જાણેકે કોઈ બંધનમાં રમતી હોય એવું લાગ્યું.

શરૂઆતમાં જ એક-બે નહીં પરંતુ પૂરા પાંચ કેચ દિલ્હીની ટીમે ડ્રોપ કરીને આ મેચમાં પોતાની ભાવિ લગભગ નક્કી કરી દીધું હતું. આટલું ઓછું હોય તેમ આ ટીમે બે સરળ રનઆઉટના ચાન્સ પણ ગુમાવ્યા હતા. આ પ્રકારની ઢીલી ફિલ્ડીંગનો લાભ RCBના બેટ્સમેનોએ ઉઠાવ્યો હતો અને તેમણે ફટાફટ રન્સ બનાવવાના શરુ કર્યા હતા.

પંતની ગેરહાજરીમાં કેપ્ટન બનાવવામાં આવેલા અક્ષર પટેલને શરૂઆતમાં તો શું થઇ રહ્યું છે એનો કોઈજ ખ્યાલ ન આવતો હોય તેવું લાગ્યું. પરંતુ ધીમેધીમે તેણે મેચ પર પકડ બનાવવાની શરુ કરી હતી. વિલ જેક્સ, રજત પાટીદાર અને કેમરન ગ્રીનની બેટિંગને લીધે બેંગલુરુ 200 રન તો બનાવશે જ એવું લાગી રહ્યું હતું.

પરંતુ છેલ્લી ઓવર્સમાં દિલ્હી કેપિટલ્સના બોલરોએ RCBના બેટ્સમેનો ઉપર કાબુ મેળવવાનું ચાલુ કરી દીધું હતું. આમ એક સમયે 200-210 રનનો સ્કોર શક્ય લાગતો હતો તેને દિલ્હીના બોલરોએ 187 રન પર રોકી દીધો હતો.

તેમ છતાં આ સ્કોર પડકારરૂપ તો હતો જ. દિલ્હીની બેટિંગ લાઈનઅપ પંત નહોતો રમતો તો પણ મજબૂત હતી. પરંતુ સહુથી પહેલી ઓવરમાં જ ડેવિડ વોર્નર આઉટ થઇ જતાં દિલ્હી માટે હવે ટાર્ગેટ મેળવવો અઘરું બની જશે તેમ લાગવા લાગ્યું હતું. પછી તો જાણે કે એક પછી એક બેટ્સમેનો ડગ આઉટમાં જવા ઉતાવળા થયા હોય એમ લાગવા લાગ્યું અને ફક્ત કેપ્ટન અક્ષર પટેલે થોડી હિંમત દેખાડી અને હાફ સેન્ચુરી ફટકારી હતી.

દિલ્હીને પ્લેઓફ્સની રેસમાં ટકી રહેવા માટે ઓછા માર્જીનથી હારવું જરૂરી હતું જ્યારે બેંગલુરુ માટે જીતનું જેટલું માર્જીન વધુ એટલો ફાયદો હતો. છેવટે દિલ્હીના 47 રને થયેલા પરાજયે બેંગલુરુને પ્લેઓફ્સના સ્થાન તરફ વધુ નજીક સરકાવી દીધું હતું, કારણકે તેનો નેટ રનરેટ સુધરી ગયો હતો.

બીજી તરફ દિલ્હી માટે હવે લખનૌ સામે રહેલી બાકીની મેચ મોટા માર્જીનથી જીતવી અત્યંત જરૂરી બની ગઈ છે. પરંતુ એ પણ સરળ નહીં હોય કારણકે લખનૌ પણ પ્લેઓફ્સ માટે રમશે.

Back to top button