ગુજરાતમાં રાજકારણનાં ગરમાવા વચ્ચે હવામાને કરવટ લીધી હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં ડિસેમ્બર શરૂ થતાંની સાથે ઠંડીમાં વધારો દેખાઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશરની સાથે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ કાર્યરત થઈ છે. જેના કારણે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં 11થી 15 ડિસેમ્બર દરમિયાન માવઠાંની શક્યતા રહેલી છે.
વાતાવરણમાં પલટો
રાજ્યના વાતાવરણની વાત કરવામાં આવે તો હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. સવારમાં ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. જો કે સત્તાવાર રીતે શિયાળીની શરૂઆત થઇ ગઇ હોવા છતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘણુ ઓછું છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા ગરમીથી લોકોને રાહત મળી છે. પરંતું છેલ્લા બે દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગે કરી આગાહી
હાલ બેવડી ઋતુના અહેસાસ વચ્ચે હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 11થી 15 ડિસેમ્બર વચ્ચે માવઠું થવાની શક્યતા છે. આગામી દિવસોમાં બંગાળનીખાડીમાં લો-પ્રેશરની સાથે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ કાર્યરત થતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે.
લો પ્રેશરના અસરરૂપે માવઠાંની શક્યતા
હવામાન સૂત્રોના જણાવ્યા અનુસાર લો-પ્રેશરની સિસ્ટમ આંધ્રપ્રદેશ-તામિલનાડુના કાંઠાથી અરબી સમુદ્ર તરફ આગળ વધી શકે છે. એટલે કે લો-પ્રેશરની અસરથી 11થી 15 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. જોકે આ પહેલાં વાતાવરણ બદલી શકે છે અને માવઠું થવાના સમયમાં ફેરફાર થઈ શકે છે.
આ પણ વાંચો : એક્ઝિટ પોલના આંકડા કેટલા સાચા પડે છે? જાણો છેલ્લા કેટલાક વર્ષોના રોચક તથ્યો વિશે
ખેડુતોની ચિંતામાં વધારો
શિયાળાની શરૂઆત થતા જ ખેડુતોએ શિયાળુ પાકનું વાવેતર કરી દીધુ છે. ત્યારે વાતાવરણમાં પલટો આવતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. કમોસમી માવઠાને પગલે શિયાળુ પાકને નુકસાન થવાની ભિતી છે.