અમે તો ભારતને કારણે સેમીફાઈનલ હાર્યા! સાઉથ આફ્રિકાના મિલરનું વિચિત્ર નિવેદનઃ જાણો શું કહ્યું?


નવી દિલ્હી, તા. 6 માર્ય, 2025: દક્ષિણ આફ્રિકાએ ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટુર્નામેન્ટમાંથી બહાર થયા બાદ દિગ્ગજ ખેલાડી ડેવિડ મિલરે આઈસીસી પર સવાલ ઉઠાવ્યા હતા.
ટૂર્નામેન્ટમાંથી બહાર થયા પછી ડેવિડ મિલરે ICC ની મુસાફરી વ્યવસ્થા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ પર રમાઈ રહી છે, જેમાં ટીમ ઈન્ડિયા તેની બધી મેચ દુબઈમાં રમી રહી છે અને અન્ય ટીમોની મેચ પાકિસ્તાનમાં યોજાઈ હતી. બીજી તરફ, ટુર્નામેન્ટના છેલ્લા ગ્રુપ સ્ટેજ મેચ સુધી એ સ્પષ્ટ નહોતું કે ભારત કઈ ટીમ સામે સેમીફાઇનલ રમશે. આવી સ્થિતિમાં, ગ્રુપ B ના બંને સેમીફાઇનલ ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને પાકિસ્તાનથી દુબઈ આવવું પડ્યું હતું. પરંતુ ન્યૂઝીલેન્ડ પર ભારતની જીત બાદ દક્ષિણ આફ્રિકાને ફરી એકવાર પાકિસ્તાન પરત ફરવું પડ્યું કારણ કે તેમની સેમીફાઇનલ લાહોરમાં રમવાની હતી. મિલરે આ વધારાની સફરને ખોટી ગણાવી હતી.
ડેવિડ મિલરે કહ્યું, ફ્લાઇટ ફક્ત એક કલાક અને 40 મિનિટની હતી પરંતુ અમારે આ મુસાફરી કરવી પડી જે યોગ્ય ન હતું. સવારની ફ્લાઇટ હતી, અમારે મેચ પછી મુસાફરી કરવાની હતી. પછી અમે સાંજે 4 વાગ્યે દુબઈ પહોંચ્યા અને સવારે 7:30 વાગ્યે પાછા ફરવાનું હતું. એવું નહોતું કે અમે 5 કલાકની ફ્લાઇટમાં પાછા આવી રહ્યા હતા અમારી પાસે આરામ કરવા અને સંપૂર્ણપણે સ્વસ્થ થવા માટે પૂરતો સમય હતો. પણ આ પરિસ્થિતિ બિલકુલ આદર્શ નહોતી.
સેમીફાઇનલ મેચમાં લડાયક ઇનિંગ્સ રમી
દક્ષિણ આફ્રિકા સેમીફાઇનલ મેચ હારી ગયું હોવા છતાં ડેવિડ મિલરના બેટમાંથી લડાયક ઇનિંગ જોવા મળી હતી. ડેવિડ મિલરે 67 બોલમાં 100 રનની અણનમ ઇનિંગ રમી, જેમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા હતા. આ ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી પણ હતી. પરંતુ તે પોતાની ટીમને જીત સુધી લઈ જઈ શક્યો નહોતો.
ન્યૂ ઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 362 રન બનાવ્યા હતા. ટાર્ગેટ હાંસલ કરવા મેદાને ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 312 રન બનાવી શકી હતી. ન્યૂ ઝીલેન્ડે મેચ 50 રનથી જીતીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.