દીકરીના પૂર્વ બોયફ્રેન્ડે માતાને રસ્તા વચ્ચે રોકીને કરી છેડતી, વિરોધ કરવા પર આપી ધમકી
અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં રહેતી 44 વર્ષીય મહિલાએ 23 વર્ષીય યુવક પર તેની છેડતીનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ છે કે છેડતી કરનાર યુવક પહેલા દીકરીનો બોયફ્રેન્ડ હતો. દીકરીનો સંબંધ પૂર્ણ થયા બાદ તે તેને સતત હેરાન કરી રહ્યો છે. મહિલાએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે જ્યારે તે ઓફિસ જઈ રહી હતી ત્યારે યુવકે તેની છેડતી કરી હતી અને જો તે કેસ પાછો નહીં ખેંચે તો તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી. એલિસબ્રિજ પોલીસ સ્ટેશને મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી યુવકની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, સુરત નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ
મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તે આંબાવાડી વિસ્તારમાં એક ખાનગી પેઢીમાં કામ કરે છે. જ્યારે તે ઓફિસે જતી હતી ત્યારે પુત્રીના પૂર્વ બોયફ્રેન્ડ રાહુલ મુછડીયાએ તેને રસ્તામાં ખુલ્લેઆમ અટકાવી તેની છેડતી કરી હતી અને જો કેસ પાછો નહીં ખેંચે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાના જણાવ્યા મુજબ, પુત્રીએ માર્ચ 2020 માં આ યુવક સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું, પરંતુ તે પરિવારને સતત પરેશાન કરી રહ્યો છે. મહિલાએ જણાવ્યું કે નવેમ્બર 2021માં યુવકે પોલીસમાં ફરિયાદ કર્યા બાદ શિવરંજની ક્રોસ રોડ પર પુત્ર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. મહિલાના જણાવ્યા અનુસાર, આ ઘટના અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.મહિલાએ પોલીસ ફરિયાદમાં લખ્યું છે કે સમગ્ર મામલે રાહુલ મુછડીયાએ પહેલા પુત્રને નિશાન બનાવ્યો હતો. આ પછી, 14 ડિસેમ્બર, 2021 ના રોજ, તેને આંબાવાડી વિસ્તારમાં તેના પતિ પર પણ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. મહિલાનું કહેવું છે કે પુત્રી તેને મળવા માંગતી નથી પરંતુ તે પછી પણ તે તેને અને પરિવારને સતત ધમકાવી રહ્યો છે. મહિલાના કહેવા પ્રમાણે, તે જ્યારે તેના પતિ સાથે આંબાવાડીમાં તેની ઓફિસે જઈ રહી હતી ત્યારે આ યુવકે તેને રોકી અને કેસ પાછો ખેંચી લેવા કહ્યું. જ્યારે મેં ના પાડી તો તેણે બધાની સામે મારી છેડતી કરી અને મારી નાખવાની ધમકી આપી. આ ઘટના બાદ મેં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ સમગ્ર મામલાને ધ્યાને લઈ એલિસબ્રિજ પોલીસે તપાસ શરૂ કરી છે.