મુંબઈઃ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં રૂંવાડા ઊભા થઇ જાય તેવી ઘટના જાણવા મળી છે. જેમાં માત્ર 20 દિવસમાં એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ થયા છે અને ત્રણ સભ્યો તબીયત લથડતા હોસ્પિટલમાં દાખલ છે. ઘરના તમામ સભ્યોને શરીરમાં દુખાવો થતો હતો, બોલવામાં તકલીફ પડતી હતી અને હોઠનો રંગ કાળો પડી ગયો હતો. આ મામલો જ્યારે પોલીસ પાસે પહોંચ્યો ત્યારે પોલીસ પણ હેરાન થઇ ગઇ હતી. ઘટના પાલીસ માટે પડકાર જનક હતી. પાલીસે અલગ અલગ ટીમો બનાવીને ઝારખંડથી લઇને તેલંગાણા સુધી તપાસ આદરી હતી.
ગઢચિરોલી જિલ્લાના મહાગાવમાં શંકર કુંભારે પરિવારના ચાર સભ્યો એક સાથે બીમાર થઇ ગયા. 20 સપ્ટેમ્બરના રોજ શંકર અને તેમની પત્નીની તબીયત અચાનક બગડી. બંનેને પહેલા અહેરીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમની તબીયતમાં સુધારો ન થતા ચંદ્રપુર ખસેડવામાં આવ્યા હતા. જો કે ત્યાં પણ બંનેની તબીયતમાં સુધારો ન થયો તેથી બંનેને નાગપુરની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પણ 26 સપ્ટેમ્બરના રોજ શંકર કંભારેનું મૃત્યું થયું હતું અને તેના બીજા જ દિવસે તેમની પત્ની વિજ્યાએ પણ દમ તોડ્યો હતો.
દીકરી, દીકરો અને સાળીના પણ મૃત્યુ
માતા પિતાના અવસાનથી શંકરના સંતાનો કોમલ અને રોશન દુઃખી હતા. પણ તેઓ આ દુઃખમાંથી બહાર આવે તે પહેલા બંને ભાઇ બહેન અને શંકરની સાળી આનંદાની પણ તબીયત અચાનક બગડી. ત્રણેને સારવાર માટે જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 8 ઓક્ટોબરે કોમલે સારવાર દરમિયાન દમ તોડી દીધો. 14 ઓક્ટોબરે શંકરની સાળી આનંદા અને બીજા દિવસે શંકરના દીકરા રોશનનું પણ મૃત્યુ થઇ ગયું. શંકરનો સૌથી મોટો દીકરો સાગર દિલ્હીમાં રહેતો હતો. તેના માતા-પિતાની અંતિમક્રિય બાદ તે દિલ્હી પરત ફર્યો હતો. તેની પણ તબીયત અચાનક બગડતા તેને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શંકર અને તેની પત્નીને સારવાર માટે અહેરી લઇ જનાર રાકેશ મડાવીને પણ તબીયત લથડતા ચંદ્રપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે સિવાય શંકરની સાળીના દીકરાની પણ તબીયત બગડી હતી, તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ડોક્ટરે જણાવ્યું કે બધાને ઝેર આપવામાં આવ્યું છે
પાંચ મૃત્યુ અને ત્રણ લોકોની હાલત ગંભીર હતી. ડોક્ટરોની તપાસમાં સામે આવ્યું કે દરેકમાં એકસમાન લક્ષણો હતા. જેમ કે, અંગોમાં પીડા, પીઠના નીચલા ભાગમાં અને માથામાં દુખાવો, હોઠ કાળા પડવા અને જીભ ભારે થઇ જવી. આ લક્ષણોના આધારે ડૉક્ટરોએ પ્રાથમિક તારણ નીકાળ્યું કે બધાને ઝેર આપવામાં આવ્યું છે. શરૂઆતમાં આ ઝેર વિશે કોઇ જાણકારી મળી ન હતી પણ પછી સામે આવ્યું કે તમામને આર્સેનિક નામનું ઝેર આપવામાં આવ્યું છે. જે ગંધહીન અને રંગહીન હોય છે.
પોલીસે અનેક ટીમ બનાવીને તપાસ હાથ ધરી
હવે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસની અનેક ટીમ તૈયાર કરવામાં આવી. ઝારખંડ, મહારાષ્ટ્ર અને તેલંગાણાના વિવિધ જિલ્લાઓમાં આ પ્રકારની કોઇ ઘટના ભુતકાળમાં બની છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી. તેમજ પુરા વિસ્તારમાં પોતાના બાતમીદારોને ગોઠવી દીધા હતા. તે દરમિયાન પોલીસને મહત્વની જાણકારી મળી હતી. પોલીસે શંકરની પુત્રવધૂ સંઘમિત્રા અને સાળાની પત્ની રોજા રામટેકેની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન બંને ભાંગી પડી હતી અને આ તમામ લોકોની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
સંઘમિત્રાએ પોતાના માતા-પિતાની મરજી વિરૂધ્ધ શંકરના દીકરા રોશન સાથે લગ્ન કર્યા હતા. તે કારણે તેના પિતાએ આત્મહત્યા કરી હતી. જેને લઇ રોશન અને તેના પરિવારના સભ્યો મેણા મારતા હતા. આ કારણે સંઘમિત્રાએ શંકરના પરિવાર સાથે બદલો લેવાનું નક્કી કર્યું હતું.રોજાએ પોલીસને જણાવ્યું કે, તેના પતિની બહેન વિજ્યા પોતાની બહેનો સાથે મળીને મારા સસરાની જમીન પોતાનો હક્ક જમાવતી હતી. જેના કારણે તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું.
પોલીસની તપાસમાં સામે આવ્યું કે, રોજા તેલંગાણા જઇને ઝેર લાવી હતી. તેને જ્યારે પણ મોકો મળે ત્યારે તે શંકરના પરિવારના જમવામાં ઝેર ભેળવી દેતી હતી. જમવાની સાથે પીવાના પાણીમાં પણ ઝેર ભેળવતી હતી. ધીમે ધીમે આ ઝેર શંકર અને તેના પરિવારના સભ્યોના શરીરમાં ફેલાઇ ગયું અને તે બીમાર થઇ ગયા અંતમાં તેમના હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યા.
આ મામલે પોલીસે શંકરની પુત્રવધૂ અને સાળાની પત્ની રોજા વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરીને બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ https://humdekhenge.in/sc-rejected-plea-in-case-of-death-of-patient-due-to-negligence/