દેશની અગ્રણી હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીના કરોડો ગ્રાહકોના ડેટા લીક! જાણો વિગતો
નવી દિલ્હી, 10 ઑક્ટોબર, 2024: દેશની એક અગ્રણી હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીના કરોડો ગ્રાહકોના ડેટા લીક થયા હોવાનું જાણવા મળે છે. એક્સઝેન નામના કોઈ હૅકરે વેબસાઈટ બનાવીને ત્રણ કરોડ કરતાં વધુ ગ્રાહકોના ડેટા પોતે મેળવી લીધા હોવાનો તે વેચાણ માટે ઉપલ્ધ હોવાનો દાવો કર્યો છે. સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સના ગ્રાહકો માટે મોટા આંચકા સમાન છે.
મળતા અહેવાલ મુજબ, કથિત રીતે મોટી સંખ્યામાં યુઝર્સનો ડેટા લીક થયો છે. લગભગ બે અઠવાડિયા પહેલાં કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ તથા એક અજાણ્યા હેકર વિરુદ્ધ ડેટા ભંગ અંગેનો કેસ દાખલ કર્યો હતો. હજુ એ બાબત પૂરેપૂરી બહાર આવે તે પહેલાં બુધવારે અચાનક એક વેબસાઇટ વાયરલ થઈ ગઈ હતી જેના દ્વારા સ્ટાર હેલ્થના 3.1 કરોડ ગ્રાહકોનો ડેટા વેચવામાં આવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વેબસાઇટ પર ગ્રાહકોનો ડેટા $150,000માં વેચવામાં આવી રહ્યો છે.
પ્રાથમિક અહેવાલ અનુસાર આ વેબસાઈટ xenZen નામના હેકરે બનાવી છે. વેબસાઈટનો દાવો છે કે તેની પાસે 31,216,953 યુઝર્સનો ડેટા છે. આ ડેટામાં યુઝર્સના સંવેદનશીલ ડેટાનો સમાવેશ થાય છે. જેમાં યુઝર્સના પાન કાર્ડની વિગતો, ઘરનું સરનામું અને અન્ય માહિતીનો સમાવેશ થાય છે.
હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીના ગ્રાહકોનો ડેટા હેક કરનાર હેકરે તેની વેબસાઈટ પર લખ્યું છે કે, “હું સ્ટાર હેલ્થ ઈન્ડિયાના તમામ ગ્રાહકોનો ડેટા અને ઈન્સ્યોરન્સ ક્લેઈમ લીક કરી રહ્યો છું. આ લીક સ્ટાર હેલ્થ અને તેની સાથે સંકળાયેલી વીમા કંપનીઓ દ્વારા પ્રાયોજિત છે, જેમણે આ ડેટા સીધો મને વેચ્યો છે.” હાલમાં એ સ્પષ્ટ નથી કે આ વેબસાઇટ એ જ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવી છે કે કેમ જેની સામે કંપનીએ કેસ દાખલ કર્યો હતો?
હેકરનો દાવો છે કે તેની પાસે સ્ટાર હેલ્થના સત્તાવાર વ્યક્તિના નામે ઈમેલ પણ છે. આટલું જ નહીં હેકર બધો ડેટા પણ વેચી રહ્યો છે. અહેવાલો અનુસાર, આ તમામ ડેટા જુલાઈ 2024 સુધીનો છે, જેના વિશે હેકરે તેની વેબસાઇટ પર માહિતી આપી છે. આ ડેટાની વિશ્વસનીયતા માટે હેકરે 500 રેન્ડમ લોકોના ડેટા સેમ્પલ પણ આપ્યા છે તેમાં એક ડઝનથી વધુ ભારતીય સરકારી અધિકારીઓના નામ સામેલ છે.
આ પણ વાંચોઃ કેન્સર આનુવંશિક નહીં પણ લાઈફસ્ટાઈલને કારણે થાય છેઃ જાણો આ વિજ્ઞાનીએ શું આપી સલાહ?